પત્નિને નવ માસનો ગર્ભ બાળક ક્યારેય પિતાનો ચહેરો નહીં જોઈ શકે પરિવારજનોમાં કલ્પાંત

ગીર સોમનાથ જિલ્લાના ઉંબરી ગામના લશ્કરી જવાનનું લેહ-લડાખ સરહદે ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપ્યો છે. આજે લશ્કરી જવાનનો મૃતદેહ વિમાન માર્ગે સાંજે રાજકોટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી ઉંબરી ગામે લઈ જવાયો હતો. આજે લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરાશે. સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે રહેતા અને વર્ષ- ૨૦૦૨થી ભારતીય સેનામાં જવાન તરીકે જોડાયેલા કિશોરભાઈ વાણવીનું લેહ-લડાખ સરહદે ફરજ દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ થતા ભારતીય સેના દ્વારા તેના પરિવારને જાણ કરાતા પરિવાર તથા ગામમાં શોક વ્યાપી ગયો છે. જવાને મૃત્યુના આગલા દિવસે જ તેના પરિવાર સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તેના પત્ની ગર્ભવતી હોઈ તેની ૩ માસની રજા મંજૂર થઈ હોવાનું પણ જણાવ્યું હતું અને થોડા દિવસમાં તે વતન આવવાના હતા. પરિણામે પત્ની, પરિવાર તેમના આગમનની રાહ જોતા હતા ત્યારે આવા દુ:ખદ સમાચાર મળતા પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. પાંચ ભાઈઓ પૈકી મૃતક જવાન સૌથી નાનો હતો અને ધો. ૧૨ પછી આઈટીઆઈ પાસ કરી લશ્કરમાં જોડાયા હતા. જવાનનો મૃતદેહ ગઈકાલે સાંજે વિમાન માર્ગે રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી મોટરમાર્ગે ઉંબરી ગામે લઈ જવાયો હતો. આજે સવારે ૭ વાગ્યે ઉંબરી ગામે લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.શહીદ કિશોરભાઈ વાણવીને લાંબો સમય સંતાન પ્રાપ્તી ન થતા મોટાભાઈની પુત્રીને ખોળે બેસાડી હતી. હાલ તેમની પત્ની સગર્ભા છે. નવમો માસ ચાલે છે. તેમની પત્નિ પ્રસુતિ માટે પિયર ગઈ હતી. શહિદ કિશોર વાણવી પોતાના સંતાનનું મો પણ જોઈ શકયા ન હતા. સમગ્ર ગામમાં ગમગીની છવાઈ છે.  આ ઉપરાંત આતંકી હુમલામાં શહીદ થયેલા અમદાવાદના નરોડાના દિનેશ બોરસેના પાર્થિવદેહને આજે વતન લાવવામાં આવ્યો હતો. ત્યારે ગમગીન હૃદયે હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ શહીદના તિરંગામાં લપેટાયેલા નશ્ર્વર દેહન પુષ્પાંજલિ અર્પી હતી. ગાર્ડ ઓફ ઓનર આપી રાઈફલથી શોક સલામી અપાઈ હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.