એક્ટિવીસ્ટો અને ખેડૂત આગેવાનોના કોર ગ્રુપની મીટીંગમાં લેવાયો નિર્ણય: પક્ષની વિધિવત રચના માટે ૪ ઓગષ્ટે ફાઉન્ડર મેમ્બર્સની બેઠક
ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં ભ્રષ્ટાચારની ચારેકોર બોલબાલા છે. મોંઘવારીએ માઝા મૂકી છે. અને લોકોની જીવન ધોરણ દિનપ્રતિદિન કથળી રહ્યું છે. ત્યારે ભ્રષ્ટ વ્યવસ્થા તંત્રના સ્થાને નવી વ્યવસ્થાનું નિર્માણ કરવા શહદી ભગતસિંહની ક્રાંતીકારી વિચારધારાને આધશર બનાવી એક નવા રાજકીય પક્ષનું નિર્માણ કરવા આયોજન હાથ ધરાયું છે. રાજકોટમાં મળેલી ગુજરાત રાજયનાં એકિટવિસ્ટો તથા ખેડુત આગેવાનોના કોર ગ્રુપની બેઠકમા પક્ષની રચનાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નવો સુચિત રાજકીય પક્ષ શહીદ ભગતસિંહ સરદાર પટેલ, ડો.બાબા સાહેબ આંબેડકરના નૂતન ભારત નિર્માણના સંકલ્પને આગળ વધારશે તેમજ ભગતસિંહ દ્વારા રચવામાં આવેલ ભારત નવજવાન સભાના મુખ્ય એજન્ડા મુજબ ભારતમાં ખેડુતો અને મજૂરોનું ગણ રાજય સ્થાપિત થાય તે દિશામાં પ્રયાસો કરશે.
ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો ખેડુતોના હિતોની રખેવાળી કરવામાં નિષ્ફળ નિવડયા છે. ખેડુતો માટે માત્ર ચૂંટણી સમયે મોટા મોટા ભાષણો કરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ પાંચ વર્ષ કોઈ ખેડુતો સામે જોતુ નથી. આવી હાલતમાં ખેડુતો અને ખેત મજૂરોની સ્થિતિ બદથી બદતર બની રહી છે. ત્યારે હવે માંગણીઓ કરવાને બદલે ખેડુતો અને મજદૂરોની વિચારધારા પર આધારીત સરકાર ગુજરાતમાં સ્થાપિત થાય તે ખૂબ જરી છે. અને આ હેતુથી ખાસ એક પણ રાજકીય સ્થાપિત ચહેરાને સાથે રાખ્યા વગર નવી વિચારધારા અને નવા નેતૃત્વના નાદ સાથે આ પક્ષનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
પક્ષની વિધિવતા રચના માટે આગામી ૪ ઓગષ્ટના રોજ રાજકોટ ખાતે પક્ષના સંસ્થાપક સદસ્યોની મીટીંગનું રાજકોટ ખાતે મવડી ચોકડી નજીક ૧૫૦ ફૂટ રીંગરોડ, સ્વામિનારાયણ હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પક્ષની રચનાને લગતા ઠરાવો કર્યા બાદ રાષ્ટ્રીય ચૂંટણી પંચમાં તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. પક્ષનું બંધારણ તૈયાર કરવા માટે ચાર સદસ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા પત્રકાર તંત્રી જીજ્ઞેશ કાલાવડીયા, એડવોકેટ રમેશભાઈ આદ્રોજા, એડવોકેટ, હિંમતભાઈ લાબડીયા તથા એડવોકેટ કે.એલ. પટેલની નિમણુંક કરવામાં આવી છે.
આગામી દિવસોમાં ગુજરતાભરમાં વિવિધ ક્ષેત્રોમાંથી છેલ્લા ઘણા જ વર્ષોથી લોકહીતની પ્રવૃત્તિ કરતા વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંતોની પસંદગી માટે પક્ષનાર કોર ગ્રુપના સદસ્યોની યાત્રાનું પણ આયોજન આ બેઠકમાં કરવામાં આવેલ છે.
ફાઉન્ડર મેમ્બરની પસંદગી માટે કોર ગ્રુપની રચના કરવામાં આવી છે. જેમાં અશોકભાઈ દલસાણીયા, જિજ્ઞખેશ કાલાવડીયા, શિવાભાઈ આહિર, નાગજીભાઈ ચૌહાણ, ભગવાનભાઈ સોલંકી, કાનાભાઈ ભરવાડ, રમેશભાઈ આદ્રોજા, ચંદુભાઈ ખાણધર, નિલેશભાઈ માલવીયા, ચિરાગભાઈ કાકડીયા, ભાવેશભાઈ માખેસણા, અજીઝભાઈ પોપટીયા, ડો. કૃણાલ પટેલ, ઈશ્ર્વરભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ ખજુરીયા, મોહીતભાભઈ કાથ્રેચા, પંક્જભાઈ પટેલ, નરેનભાઈ પ્રિયદર્શી સમ્રાટ, બૌધ્ધ, રાજુભાઈ ગોંડલીયા, સુરેશભાઈ રાયકા, અર્જુનભાઈ કરમટા, વનરાજસિંહ કંચવા સહિતના મિત્રોને જવાબદારી સોંપવામાં આવેલ છે.