ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હિંમતનગરમાં ચૂંટણીસભા ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે રાજ્યમાં સાતમી વખત પૂર્ણ બહુમતી સાથે ગુજરાતનો ગઢ સર કરવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, પરસોત્તમભાઇ રૂપાલા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. અલગ-અલગ જિલ્લાઓમાં 12 જેટલી ચૂંટણી સભાઓ સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આજે બપોરે હિંમતનગરમાં ચૂંટણી સભા ગજવશે.
પ્રથમ તબક્કાના મતદાનના અંતિમ દિવસોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ફરી બે દિવસ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ બે દિવસમાં રાજકોટ અને જામનગર સહિત અલગ-અલગ સાત શહેરોમાં ચૂંટણી સભાઓ ગજવશે. આજે ભાજપના ટોચના ચાર નેતાઓ ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રમાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે આજે બપોરે 1 કલાકે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રામપરા રોડ પર કોળી જ્ઞાતિની વાડીએ બપોરે 2:30 કલાકે મહુવા ખાતે જ્યારે સવારે અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થિત જીએચસીએલ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. સૌરાષ્ટ્ર ઉપરાંત અમિતભાઇ શાહ આજે સાંજે 5:30 કલાકે વડોદરા જિલ્લાના નિઝામપુરા ગામે અને રાત્રે 8 કલાકે અમદાવાદમાં ચૂંટણી સભાને સંબોધશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી પણ આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે. સવારે તેઓએ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં ટાવર ચોક ખાતે, બપોરે 12:30 કલાકે ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે, બપોરે 2 વાગ્યે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહુવા રોડ ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. સાંજે તેઓ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં રોડ-શો કરશે. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા બપોરે 3 કલાકે પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે, સાંજે 5 કલાકે રાજકોટ જિલ્લાના ભાયાવદર ખાતે અને સાંજે 7:30 કલાકે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ચૂંટણી સભાઓ ગજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાની આજે બપોરે 3 કલાકે ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં ગોદરા ચોક ખાતે, સાંજે 6 કલાકે જૂનાગઢમાં ઝાંઝરડા ચાર રસ્તા અને રાત્રે 7:30 કલાકે મોતીબાગ રોડ ખાતે ચૂંટણી સભાઓ સંબોધશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન આણંદના નાવલીમાં, સુરતમાં બે સભાઓ, ધારાસભ્ય હિતુભાઇ કનોડિયા અમદાવાદના ધોળકા ખાતે, ભાવનગર જિલ્લાના નોઘાણવદર ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા પણ સુરતમાં બે સભાઓ સંબોધશે.
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાલથી ફરી બે દિવસ ગુજરાતમાં ધામા
- રાજકોટ, જામનગર, પાલિતાણા, અંજાર, ખેડા, નેત્રાંગ અને સુરતમાં ચુંંટણી સભા સંબોધશે, રોડ-કો કરશે
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપનો વિજય વાવટો લહેરાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રચારની કમાન સંભાળી લીધી છે. ચાલુ સપ્તાહે બે વખત ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવ્યા બાદ આવતીકાલથી ફરી બે દિવસ પીએમ ગુજરાતમાં ધામા નાખાશે. તેઓ બે દિવસ દરમિયાન અલગ અલગ સાત શહેરોમાં ભાજપના સમર્થનમાં ચુંટણી સભાઓ ગજવશે અને વિશાળ રોડ-શો કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાની ચુંટણીની કમાન સંપૂર્ણ પણે પોતાના હાથ પર લઇ લીધી છે. ઉમેદવારોની પસંદગથી લઇ પ્રચાની વ્યુહરચના સુધી તમામ કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે. ચૂંટણી જાહેર થયાના બીજા દિવસથી તેઓએ ગુજરાતમાં પ્રચાર શરુકરી દીધો છે. ચાલુ સપ્તાહે
બે વાર પીએમ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા દરમિયાન આવતીકાલથી ફરી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. રવિવાર અને સોમવાર અમ બે દિવસ દરમિયાન વડાપ્રધાન રાજકોટ, જામનગર, પાલિતાણા, અંજાર, સુરત, ખેડા અને નેત્રાંગમાં ચુંટણી સભાઓ ગજવશે અને રોડ-શો કરશે.