બે વર્તમાન કોર્પોરેટર ઉપરાંત એક પૂર્વ કોર્પોરેટર હવે વિધાનસભા લડશે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત રાજકોટની રાજકીય લેબોરેટરીમાં પક્ષ માટે એક પ્રયોગ કર્યો છે. શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાથોસાથ ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે. વર્તમાન બે કોર્પોરેટરો ઉપરાંત એક પૂર્વ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવી છે. ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીવાળી સિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. બીજી તરફ અગાઉ બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરિયા પોતાની પરંપરાગત સીટ પરથી મેદાનમાં ઉતરશે. શાહ અને બાબરિયાને વિધાનસભાની ટિકિટ મળતા બંને કોર્પોરેટરો ભાવિ મેયર પદની રેસમાંથી આઉટ થઇ ગયા છે.
સામાન્ય રીતે જો કોઇ કોર્પોરેટર વિધાનસભાની ચૂંટણી લડે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે તો તે બંને પદ પર એકસાથે રહી શકે છે. ગત ટર્મમાં અરવિંદ રૈયાણી કોર્પોરેટર-શાસક પક્ષના નેતા હતા અને તેઓને પક્ષે રાજકોટ પૂર્વમાંથી વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. તેઓ વિજેતા બન્યા હતા અને અઢી વર્ષ જેટલા સમય માટે તેઓએ કોર્પોરેટર અને ધારાસભ્ય પદ બંને ભોગવ્યા હતા. જો કે, માનદ વેતન માત્ર એક હોદ્ાનું લેતા હતા ત્યારે સ્થિતિ અલગ હોવાના કારણે અરવિંદ રૈયાણી બંને પદ પર ચાલુ રાખવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ અલગ છે. ભાજપ સામે કોઇ મોટો પડકાર નથી. જો વિધાનસભાની ચૂંટણી ડો.દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા વિજેતા બનશે અને રાજ્યમાં ભાજપની સરકાર રચાશે તો બંનેમાંથી કોઇ એકનો મંત્રી પદમાં સમાવેશ કરવામાં આવશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં કોર્પોરેટર પદેથી ભાનુબેન બાબરિયા અને ડો.દર્શિતાબેન શાહનું રાજીનામું લઇ લેવામાં આવશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે.