હાર્દિક પટેલની સેકસ સીડી વાયરલ થયા બાદ પાટીદાર અનામત આંદોલનને ફટકો: શક્તિસિંહ ગોહિલના નિવેદનથી રોષ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સેકસ સીડીથી હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલે દલીત આગેવાન જીગ્નેશ મેવાણી તેના પડખે ઉભા છે. તેમણે કહ્યું છે કે, હાર્દિક પટેલ ચિંતા કરશો નહીં હું તમારી સાથે છું, સેકસ માણસનો મુળભૂત અધિકાર છે, પ્રાયવસી સાથે કોઈ છેડછાડ થવી જોઈએ નહીં તેવો મત પણ મેવાણીએ વ્યકત કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પાટીદાર અનામત આંદોલન સમીતીના વડા હાર્દિક પટેલ સરદાર પટેલનું ડીએનએ હોવાનું નિવેદન આપ્યા બાદ થયેલો વિવાદ હજુ શાંત પડયો નથી. આ મામલે સરદાર પટેલના પપૌત્ર સમીર પટેલે કહ્યું હતું કે, મારા દાદાએ પણ દેશ માટે સારું કામ કર્યું હતું. પરંતુ કોંગ્રેસના આગેવાનોએ તેને કોઈ દિવસ વખાણ્યું નથી. ભાજપના આગેવાન આઈ.કે.જાડેજાએ કહ્યું હતું કે, આઝાદીકાળથી કોંગ્રેસ હંમેશા સરદારની વિરોધી રહી છે. વિવાદાસ્પદ હાર્દિક પટેલ સાથે સરદારને જોડી કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું છે.
તાજેતરમાં શક્તિસિંહ ગોહિલે હાર્દિકનો બચાવ કરતા કહ્યું હતું કે, ભાજપ છેલ્લા સ્તરનું રાજકારણ રમી રહ્યો છે. હાર્દિક પટેલ સરદારનું ડીએનએ છે, જેવી રીતે બ્રિટીશરો સરદારને ખરીદી શકયા ન હતા તેવી રીતે ભાજપ હાર્દિકને ખરીદી ટેકો મેળવી શકયું નથી. શક્તિસિંહના આ વિધાન બાદ વિરોધ ફાટી નીકળ્યો હતો. ઠેર-ઠેર તેના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલની સેકસ સીડી વાયરલ થયા બાદ હાર્દિક પટેલ પોતાના બચાવમાં ભાજપ પર માછલા ધોવે છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ મામલે ભાજપ પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ આ મામલે ભાજપને છેલ્લા સ્તરનું રાજકારણ રમતો હોવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી નજીક છે ત્યારે હવે પાટીદાર સમાજનો વિશ્ર્વાસ હાર્દિક પર કયાં સુધી રહેશે તે જોવાનું રહ્યું.