સરકારી કચેરીઓ આપના આંગણે
એક જ સ્થળ પર તમામ સરકારી યોજનાનો લાભ મળશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે વોર્ડ નં. 7માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં નાગરિકોના ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. જેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર દ્રારા કરાયો છે. આ અંગે સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદીજુદી તારીખોએ આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.
જેના અનુસંધાને કાલે શનિવારે સવારે 9 કલાકે, શ્રી જે. જે. પાઠક પ્રાથમિક શાળા (શાળા નં. 19), સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે, રાજકોટ ખાતે વોર્ડ નં. 7માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે. લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.