મેવાલાલ નહીં સેવાલાલ… લોકોના પ્રશ્નોને વાચા આપવા, લોકોની સાથે ઉભા રહેવા, સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય સ્તરે વિકાસ વેગવંતો બનાવવો જેવા અનેક વચનો સાથે રાજકીય લોકો પદ ધારણ કરતા હોય છે. પરંતુ મોટાભાગના રાજકીય નેતાઓ સેવાના નામે મેવા જ કમાઈ છે. પોતાનું ખીચું કેમ ભરાય..?? દેશનો તો થાવો હોય તો થાય પણ પોતાનો વિકાસ કેમ વધુને વધુ થાય તેમાં જ માનતા હોય છે..!! પરંતુ બધા નેતા મેવાલાલ પણ હોતા નથી. અમુક સરદારની જેમ સેવાલાલ પણ હોય છે. એટલે જ તો સરદાર આજે પણ જીવંત છે. તમિલનાડુના કેન્દ્રીય કક્ષાના રાજ્યમંત્રી એલ. મુરુગન કે જેઓના માતા પિતાએ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જો કોઈનો પુત્ર નાના એવા હોદ્દા પરથી કેન્દ્રીય મંત્રી બની જાય તો..?? તેનું તો કલ્યાણ થાય પણ સાથે તેના સમગ્ર પરિવારનું પણ કલ્યાણ થઈ જાય. જીવનમાં ધરમૂળથી ફેરફાર આવી જાય. પરંતુ તાજેતરમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી અને માહિતી પ્રસારણના કેન્દ્રીય કક્ષાના રાજ્ય પ્રધાન બનનાર એલ. મુરુગનના માતા-પિતા કે તેમના પરિવાર સાથે આવું થયું નથી. પુત્ર કેન્દ્રીય મંત્રી હોવા છતાં પણ માતા-પિતા ગૌરવપૂર્ણ ખેત મજૂરી કરે છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્યમંત્રી એલ. મુરુગન કે જેઓ તમિલનાડુના નમક્કલ જીલ્લાના કોનુર ગામના છે. તેઓને તાજેતરમાં જ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તેમના પિતાનું નામ લોગનાથન અને તેમના માતાનું નામ એલ. વૃંદામલ છે. તેઓ કોનુર ગામમાં એક નાના એવા મકાનમાં રહે છે. પાવડો અને ત્રિકમ લઈ ક્યારેક ખેતરમાં કાળી મજૂરી કરે છે તો ક્યારેક કુલીનું પણ કામ કરે છે. પાંચ વર્ષ પહેલા તેમના નાના પુત્રનું અવસાન થયું હતું, ત્યારથી તેઓ પુત્રવધૂ અને બાળકોની પણ સંભાળ રાખે છે અને તેમના જીવન નિર્વાહનો ખર્ચ પણ ઉઠાવે છે. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના અરુન્થથિયાર સમુદાયના છે, જે અનુસૂચિત જાતિના છે.
જણાવી દઈએ કે, એલ. મુરુગન વ્યવસાયે વકીલ હતા. કેન્દ્રીય પ્રધાન બનતા પહેલા તેઓ તમિલનાડુ પ્રદેશ ભાજપ પ્રમુખ હતા. ગામલોકોએ આ અંગે જણાવ્યું કે પુત્ર કેન્દ્રીય પ્રધાન બન્યા પછી માતા પિતાની દિનચર્યા બદલાઇ નથી. તેમનો પુત્ર તમિલનાડુ રાજ્ય ભાજપ અધ્યક્ષ બન્યા પછી પણ તેમના પિતા લોગનાથન કોરોનાની રસી માટે સામાન્ય લોકોની જેમ કતારમાં ઉભા હતા.
અમારા પુત્રે જે પણ કંઈ સિદ્ધિ હાંસલ કરી તે તેની મહેનતના કારણે જ, અમે કંઈ નથી કર્યું: માતા-પિતા
કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનના પિતા લોગનાથન અને તેમના માતા વૃંદામલે તેમના પુત્રની પ્રશંસા કરી પણ આનો શ્રેય પણ ના લીધો. તેમનું કહેવું છે કે
અમારો પુત્ર હાલ જે જગ્યા પર છે તેણે જે નવી સિદ્ધિ અને ઊંચાઈ હાંસલ કરી છે તેણે તેની મહેનતના કારણે જ મળી છે. એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અમે કંઈ કર્યું નથી. એલ. મૂરુગનની માતા વૃંદામલએ કહ્યું કે અમે પુત્રની સફળતાનું શ્રેય લેવા માંગતા નથી. અમને તેના પર ગર્વ છે. એલ. મુરુગનના શિક્ષણ અંગે જણાવતા તેણીએ કહ્યું કે અમે તેને લોન લઈ ભણાંવેલો.
હમેંશા તેને આગળ વધવાની પ્રેરણા આપી હતી. પણ આજે તે જે કંઈ પણ છે તે તેની મહેનતના કારણે જ છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયું ત્યારે મોદી ટીમમાં એલ. મુરુગનને સ્થાન અપાયું. આ સુખદ સમાચાર પણ લોગનાથન અને વૃંદામલને પડોશીઓ પાસેથી જાણવા મળેલા. અને આ દરમિયાન પણ તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. સમાચાર સાંભળ્યા પછી પણ બંનેએ કામ બંધ કર્યું ન હતું. ખુશી અને હર્ષ સાથે કામ કરતા હતા.