ખીરસરા, ગુંદાળા વચ્ચે કેનાલના ગેટ જામની ઘટનાથી સિંચાઇ વિભાગની દોડાદોડી – બ્લોકેજ હટાવાયું
જેતપુરના ખીરસરા અને ગુંદાળા ગામ વચ્ચે કેનાલ વચ્ચેના ગેઇટ પાસે સેવાળ અને કચરો ફસાઈ જતાં કેનાલ છલકાઈ ગઈ હતી. જેના કારણે કેનલનું પાણી બંને બાજુ એક કિમી જેટલા અંતરમાં ઉભા પાકમાં ઘુસી જતાં લણેલ પાકના પાથરા તેમજ તૈયાર પાકને મોટી નુકશાની થઈ હતી. સિંચાઈ વિભાગ દ્વારા તાબડતોડ બુલડોઝર બોલાવી કેનાલના ગેટ પાસેથી કચરો કઢાવી સફાઈ કરાઈ હતી.
રવિ પાક માટે ભાદર કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ચાર વાર પિયત અપાય ગયુ છે. અને આજે પાંચમા પિયત માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં ભાદર ડેમ જ્યાંથી કેનાલ છોડાય છે ત્યાંથી દસેક કિમી દૂર ખજુરી ગુંદાળા અને ખીરસરા ગામ વચ્ચે મુખ્ય કેનાલથી માઇનોર કેનાલમાં પાણી આપવાનો ગેઇટ પાસે ખૂબ મોટી માત્રામાં સેવાળ અને વૃક્ષના ઝારીઝાંખણા ભરાય ગયા હતાં. જેના કારણે ગેઇટમાંથી આગળ પાણી જતું બંધ થઈ ગયું અને કેનાલ છલકવા લાગી થોડીવારમાં તો નદીમાંથી પાણી વહેતુ હોય તેટલી માત્રામાં કેનાલની બંને બાજુના ખેતરોમાં પાણી વહેવા લાગ્યું.
ખેતરમાં પાકી ગયેલ તેમજ લણેલ પાકના પાથરામાં તણાવા લાગ્યા હતાં. ખેતરોમાં પુરની જેમ પાણી ખેતરોમાં ફી વળતા ખેડૂતોએ કેનાલે જઈને જોતા કેનાલમાંથી નદીની જેમ પાણી બંને બાજુ વહેતુ હતું. જેથી ખેડૂતોએ તરત જ સિંચાઈ વિભાગને જાણ કરી અને સિંચાઈ વિભાગ પરિસ્થિતિ પામીને તાબડતોબ બુલડોઝર મશીન બોલાવીને ગેઇટમાં ફસાયેલ કચરો અને સેવાળ કઢાવી પાણી ચાલતુ કર્યું હતું. પરંતુ હજુ કેનાલમાં કચરો હોય સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી આગળ સફાઈ હાથ ધરી હતી.
ભોગ બનનાર ખેડુત મનુભાઈ કથીરીયાએ જણાવ્યું કે, તેઓએ પોતાના ખેતરમાં ધાણાનો લણીને ખેતરમાં પાથરા કરેલ હતો તેના પર પાણી ફરી વળતા તે ભાગ નિષ્ફળ થઈ ગયો જ્યારે બબાભાઈ કથીરીયાએ જણાવેલ કે તેઓનો ઘઉંનો પાક આવતીકાલ કાઢવાનો હતો તે આખો પાણીમાં ડૂબી જતા આખો પાક ફેઈલ થઈ ગયો. જ્યારે અન્ય ખેડૂતોના ચણા, ઘઉં અને ધાણાના પાક પર પાણી ફરી વળ્યું હતું. આ અંગે ખેડૂત અમિતભાઇ પટેલે જણાવેલ કે, કેનાલ સાફ કર્યા વગર જ છોડી દેવામાં આવી હતી. જેના કારણે કેનાલ છલકવાની દુર્ઘટના થઈ દરવર્ષે લાખો રૂપિયાનો કેનાલ સફાઈનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે પરંતુ સફાઈ ફક્ત કાગળ પર જ થતી હોવાના આક્ષેપ કર્યા હતાં.
આ અંગે ભાદર સિંચાઈ વિભાગના સેક્શન ઈજનેર મિતેષ મોવલિયાએ જણાવેલ કે, કેનાલ તો અમો સફાઈ કરાવીએ જ છીએ.પરંતુ ડેમમાંથી એટલો બધો સેવાળ આવ્યો કે તે સેવાળ દરવાજામાં ફસાય ગયો જેના કારણે કેનાલ છલકાઈ ગઈ હતી. અને જે કોઈ ખેડૂતોને જે કંઈ પણ નુકશાન થયું હશે તેનો અમે સર્વે કરીને વળતર માટે રીપોર્ટ કરીશું