જુનાગઢની પ્રજા છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ગટર મામલે હાલાકી ભોગવી રહી છે ત્યારે આજે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલી માંગનાથ બજારની દુકાનોમાં ગટરના પાણી ગુસ્તા વેપારીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા. માંગનાથ બજારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના કામ માટે JCB દ્વારા રોડ ખોદવામાં આવ્યા છે. ત્યારે માંગનાથ રોડ પર ખોદકામ કરતાં ગટરની લાઈન તૂટી જતા આ વિસ્તારના બોરમાં ગટરના પાણી ઘુસિયા હતા તો બીજી તરફ અંડરગ્રાઉન્ડમાં આવેલી દુકાનોમાં પણ પાણી ખુરતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ અંગે વાતચીત કરતા માંગનાથ ક્લોથ એન્ડ રેડીમેટ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું તે ગત 21 તારીખે માંગનાથમાં ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ગટરના કામને લઈ હાલ માંગનાથ રોડ પર આવેલી 50થી વધુ દુકાનોમાં હાલ ગટરના પાણી ઘુસતા વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ ગટરના પાણી દુકાનોમાં ઘૂસતા લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો વેપારીઓને આવ્યો છે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે પ્રજાને સાંભળનાર તંત્ર જુનાગઢમાં નથી તેવું લાગી રહ્યું છે. તેવા આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. તો માંગનાથ રોડ પરના જ બીજા વેપારી હરેશ જોશીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા આ મામલે મહાનગરપાલિકામાં વારંવાર અરજીઓ આપી રજૂઆત પણ કરી છે. પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અહીં આવી માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે.
માંગનાથ રોડ પર રહેતા સ્થાનિક ઉષા રૂપારેલી એ જણાવ્યું હતું કે જ્યારથી માંગનાથ રોડને ગટરના કામ માટે ખોદવામાં આવ્યો છે ત્યારથી અહીં રહેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગટરનું કામ કરતા જે ગટરની લાઈન તૂટી છે જેના કારણે અહીં દુકાનો અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા છે. તેમજ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી સમયે મત જોઈતો હોય ત્યારે ઉમેદવાર અહીં આવે છે પરંતુ જ્યારે પ્રજાને મુશ્કેલી પડે છે ત્યારે કોઈ અહીં જોવા પણ આવતું નથી. હાલ આ વિસ્તારના બોરમાં પણ ગટરના પાણી ભરી ગયા છે. ગટરના પાણી બોરમાં ગુસ્સા અહીં લોકોના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે.
આ મામલે મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે વાત કરતા તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બાબત હાલ ધ્યાનમાં આવી ત્યારે ડીવોટ્રિંગ પંપ માંગનાથ બજારમાં મોકલવામાં આવ્યા છે. અને જે જગ્યા પર પાણી ઘૂસ્યા છે તેના નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે આ બાબતના પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવશે.
ચિરાગ રાજ્યગુરુ