10 જેટલી હોસ્પિટલોએ ગંભીર પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરને કરી રજુઆત: દૈનિક 110 ટનની જરૂરિયાત સામે શહેરમાં માત્ર 16 ટનનું જ ઉત્પાદન, બાકીની જરૂરિયાત બીજા શહેરોમાંથી થતા ઉત્પાદન ઉપર નિર્ભર
રાજકોટમાં ઑક્સિજનની તીવ્ર ઘટ પડી રહી છે. અંદાજે 10 જેટલી હોસ્પિટલમાં ઓક્સિજનો મર્યાદિત જથ્થો જ હોય દર્દીઓના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હોસ્પિટલો દ્વારા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ રજુઆત કરવામાં આવી છે. સામે કલેક્ટરે પણ ઓક્સિજનની ઘટ હોવાનું સ્વીકારી સરકારને પરિસ્થિતિથી વાકેફ કરી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનના પુરતા પુરવઠાની માગ સરકાર અને તંત્ર પાસે ઉઠી રહી છે. છેલ્લા બે દિવસથી ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા વહીવટી તંત્ર અને સરકાર પાસે ઓક્સિજનનો પુરતો પુરવઠો પૂરો પાડવા લેખિત તથા મૌખિક માંગ કરવામાં આવી રહી છે. જોકે પરિસ્થિતિ કંઇક એવી છે જેમાં રાજકોટને હાલની સ્થિતિ મુજબ રોજ 110 ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. જેની સામે માત્ર 16 ટનનું જ ઉત્પાદન રાજકોટમાં થાય છે અને અન્ય જથ્થો બીજા શહેરોમાંથી મગાવવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં ઓક્સિજન પ્રેશર ઓછું થવાથી દર્દીઓની સ્થિતિ ગંભીર થવાની ભીતિ તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ , હોપ કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલ દ્વારા સરકાર અને તંત્ર પાસે લેખિત પત્ર દ્વારા ઓક્સિજન પુરવઠો પુરો પાડવા માગ કરવામાં આવી રહી છે. હાલ કોવિડ હોસ્પિટલમાં કોવિડ સાથે સાથે દર્દીને ન્યુમોનિયા થવાથી ઓક્સિજનની માગમાં વધારો થયો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ મોટાભાગના દર્દી ઓક્સિજન આધારિત છે. ત્યારે ઓક્સિજનના અપુરતા જથ્થાથી દર્દીઓની હાલત ગંભીર બને તેવી ભીતિ તબીબો દ્વારા લેખિતમાં વ્યક્ત કરવામાં આવી છે.
ગઇકાલે પણ રાજકોટની બે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો ઓછો થવાની ફરિયાદ સામે આવી હતી. જોકે ત્યારબાદ અન્ય હોસ્પિટલની મદદથી દર્દીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ 5માં માળે ઓક્સિજન પ્રેશર ઘટ્યું હોવાથી 2 દર્દીના મોત થયાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 10થી વધુ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરતો પુરવઠો ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઓક્સિજન વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પરિસ્થિતી ખૂબ જ ગંભીર બને તેમ છે.