લોકોને સીધો ફાયદો થાય તેવો એક પણ પ્રોજેકટ શરૂ થયો નથી: ૩ વર્ષથી વધુ સમય વિત્યો છતાં સ્માર્ટ સિટીનાં કામમાં મંથર ગતિ
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટસીટી તરીકે કરવામાં આવી હોવાને ૩ વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં આજની તારીખે સ્માર્ટ સિટીનાં અનેક પ્રોજેકટ કાગળની બહાર નિકળ્યા નથી. મંથર ગતિએ ચાલતા સ્માર્ટ સિટીનાં કામથી રાજય સરકાર ભારોભાર નારાજ છે. આજે સ્માર્ટ સિટીનાં સીઈઓ અને ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણી તથા સિટી એન્જીનીયર ભાવેશ જોશીને સરકારે ગાંધીનગર બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં સ્માર્ટ સિટીનાં પ્રોજેકટ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજુ કરવા પણ તાકિદ કરવામાં આવી હતી.
કેન્દ્રમાં ૨૦૧૪માં પ્રથમવાર મોદી સરકાર રચાયા બાદ દેશનાં ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી હતી અને ત્રણ વર્ષથી વધુ સમય પહેલા રાજકોટને સ્માર્ટસિટી જાહેર કરી દેવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. સ્માર્ટસિટીમાં એરીયા બેઈઝ ડેવલોપમેન્ટ અને પાન સીટી ડેવલોપમેન્ટ એમ બે પરીબળો છે જેમાં અનેક પ્રોજેકટો હજુ સુધી શરૂ થયા નથી અને જે પ્રોજેકટ શરૂ થયા છે તેમાં જોઈએ તેટલી ઝડપ જોવા મળતી નથી. પાન સીટી ડેવલોપમેન્ટ એ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારીત પ્રોજેકટ છે જેમાં ઓટોમેટીક ટ્રાફિક સિસ્ટમ, જીઆઈએસ, સ્માર્ટ પાર્કિંગ સહિતનાં વિવિધ પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ કામ બીએસએનએલને સોંપવામાં આવ્યું છે. બીએસએનએલ દ્વારા પેટા કંપનીઓને કામગીરી સોંપવામાં આવી હોવાનાં કારણે અનેક પ્રોજેકટો સતત વિલંબિત થઈ રહ્યા છે. આ માટે એજન્સીને નોટીસ પણ ફટકારવામાં આવી છે. સ્માર્ટ પાર્કિંગ પ્રોજેકટ ખુબ જ સારો પ્રોજેકટ છે જેમાં એક મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા બાદ કોઈ વ્યકિત જે-તે રાજમાર્ગ પર પોતાના વાહનનું પાર્કિંગ કરવા માંગતા હોય તો તે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પાર્કિંગ ચાર્જ પણ ઓનલાઈન જ ભરપાઈ કરી શકે છે પરંતુ હજુ સુધી આ પ્રોજેકટ શરૂ થઈ શકયો નથી જે પ્રોજેકટ શરૂ થયા છે તેમાં પણ પુરતી ઝડપ આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
મહાપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ યુનિટેડ નામની કંપની બનાવવામાં આવી છે જેનાં સીઈઓ તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને જનરલ મેનેજર તરીકે સીટી એન્જીનીયર ભાવેશ જોશીની નિમણુક કરવામાં આવી છે. સ્માર્ટ સિટીનાં અનેક પ્રોજેકટમાં વિલંબથી નારાજ રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે સીઈઓ નંદાણી અને જનરલ મેનેજર જોશીને રૂબરૂ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. કયાં પ્રોજેકટમાં કેટલું કામ થયું તે સહિતની વિગતો માંગવામાં આવી હતી અને પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થાય અને જે પ્રોજેકટ હજુ સુધી શરૂ થયા નથી તે ઝડપથી શરૂ થાય તેવી કડક તાકિદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.