કોંગ્રેસનો ‘લાધા યુગ’:૧૯૯૫ની ચૂંટણીમાં ૬૦માંથી માત્ર એક જ બેઠક જીતી !!
૨૦ વોર્ડની ૬૦ બેઠકો બેઠકો પૈકી ૫૯ બેઠકો પર ભગવો લહેરાયો અને ભાજપને મળી સૌથી મોટી જીત: આ ટર્મમાં વિજયભાઈ રૂપાણીએ સ્ટેન્ડિંગ ચેરમેન અને ત્યારબાદ મેયરપદ પણ શોભાવ્યું
રાજકોટ મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણી અનેક રીતે વિક્રમ સર્જક બની હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો અને કારમો પરાજય થયો હતો.કોંગ્રેસ માટે આ ટર્મ લાધા યુગ તરીખે ઓળખવામાં આવે છે. શહેરના ૨૦ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર જાજરમાન જીત સાથે ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું કોંગ્રેસને ફાળે સમ ખાવા પૂરતી એકમાત્ર બેઠક આવી હતી.જે બેઠક પર લાધાભાઇ બોરસદીયા નામના ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ ટર્મમાં રાજકોટને પ્રથમ મહિલા મેયર મળ્યા હતા.તો ઉદયભાઇ કાનગડે ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.જે આજની તારીખે પણ યથાવત છે.
રાજકોટ મહાનગરપાલિકા ની સ્થાપના બાદ ૧૨ જૂન ૧૯૯૫ના રોજ ચોથી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.જેમાં શહેરના કુલ ૨૦ વોર્ડની ૬૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૫૯ બેઠકો પર જાજરમાન જીત મેળવી સૌથી મોટો વિજય પ્રાપ્ત કર્યો હતો.કોંગ્રેસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક આવી હતી.બોર્ડની મુદત ૧ જુલાઈ ૧૯૯૫ થી ૩૦ જૂન ૨૦૦૦ સુધી રહી હતી.કોર્પોરેશન ચોથી સામાન્ય ચુંટણી માં ભાજપ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા શહેરના ૨૦ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જે અત્યાર સુધીના ઇતિહાસમાં ભાજપ નો સૌથી મોટો વિજય છે આ ચૂંટણીમાં કોંગ્રેસ ના એકમાત્ર ઉમેદવાર લાધાભાઇ બોરસદીયા વિજેતા બન્યા હતા.જેથી આ યુગને કોંગ્રેસ માટે ’લાધા યુગ’પણ કહેવામાં આવે છે.આ પાંચ વર્ષ મેયર,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત એક વર્ષની હતી. ભાવનાબેન જોષીપુરા,વિજયભાઈ રૂપાણી ઉદયભાઇ કાનગડ,ગોવિંદભાઇ સોલંકી અને મંજુલાબેન પટેલે મેયર તરીકેની જવાબદારી નિભાવી હતી.જ્યારે ડેપ્યુટી મેયર પદે માવજીભાઈ ડોડીયા,હરગોવિંદભાઈ વ્યાસ પુષ્પાબેન પંડ્યા,લાલુભાઈ પારેખ અને મુકેશભાઈ ડાંગર તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે વિજયભાઈ રૂપાણી, જનકભાઈ કોટક, મનસુખભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી અને બીપીનભાઈ અઠીયા રહ્યા હતા.આ ટર્મમાં રાજકોટને પ્રથમ મહિલા મેયર તરીકે ભાવનાબેન જોશીપુરા મળ્યા હતા.તો ઉદયભાઇ કાનગદ ૧૯૯૭માં મેયર બની રાજ્યમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે આજે પણ અકબંધ છે. મહાપાલિકાની કોઇપણ ચૂંટણીમાં કોંગ્રેસને મળેલો આ સૌથી કારમો અને આઘાતજનક પરાજય છે.શહેરના ૨૦ વોર્ડની ૬૦ બેઠકો માંથી માત્ર એક જ બેઠક પર વિજય બનેલી કોંગ્રેસે જો કે પાંચમી સામાન્ય ચૂંટણીમાં રેકોર્ડ સર્જી દીધો હતો. એક બેઠક માંથી સિધી જ ૪૫ બેઠક પર પહોંચી ગઈ હતી અને કોર્પોરેશનની સત્તા ભાજપ પાસેથી આંચકી લીધી હતી. આ બોર્ડ કોંગી કોર્પોરેટર તરીકે એકમાત્ર લાધાભાઇ બોરસદીયા હોવા છતાં તેઓ પક્ષ પલટો કરી ભાજપમાં જવાના બદલે પાંચ વર્ષ સુધી અડીખમ કોંગી નગર સેવક તરીકે ઊભા રહ્યા હતા અને પોતે એકલા હોવા છતાં પણ વિરોધ પક્ષની જવાબદારી નિભાવવામાં ક્યારેય પાછી પાની કરી ન હતી.કોંગ્રેસ માટે આ યુગ ચોક્કસ લાધા યુગ તરીકે પ્રસ્થાપિત થયો છે.પરંતુ લાધાભાઇ વાસ્તવમાં એક વિરોધ પક્ષના નગર સેવક તરીકેની કસોટીમાં ખરા ઉતર્યા હતા તેવું કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી .
રાજકોટને પ્રથમ મહિલા મેયર મળ્યા :
શહેરના પ્રથમ મહિલા મેયર બનવાનું બહુમાન ભાવનાબેન જોષીપુરા ધરાવે છે.આ ટર્મમાં કુલ પાંચ નગરસેવકોની મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં પાંચ પૈકી બે મહિલાઓ હતી મંજુલાબેન પટેલના અંતિમ વર્ષ અર્થાત ૧૯૯૯થી ૨૦૦૦માં મેયર તરીકેની જવાબદારી નિભાવી હતી.તો ડેપ્યુટી મેયર પદે પણ ભાજપે ૧૯૯૭ માં પુષ્પાબેન પંડ્યાને ની વરણી કરી હતી.ભાવનાબેન જોશીપુરા રાજકોટના પ્રથમ મહિલા પ્રથમ નાગરિક બનવાનું બહુમાન ધરાવે છે.
ઉદય કાનગડે ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો,જે આજે પણ અકબંધ
૧૯૯૫થી ૨૦૦૦ સુધીની ટર્મના ત્રીજા વર્ષમાં અર્થાત ૧૯૯૭માં ભાજપે ઉદયભાઇ કાનગડની મેયર તરીકે વરણી કરી હતી.આ સમયે ઉદયભાઇની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી હતી.ત્યારે તેઓએ ગુજરાતમાં સૌથી નાની વયે મયર બનવાનો એક રેકોર્ડ બનાવ્યો હતો જે આજની તારીખે તેઓના નામે અકબંધ છે.પોતાની પ્રથમ ટર્મમાં માત્ર ૨૫ વર્ષની ઉંમરે મેયર બનનાર તેઓ સૌથી નાની વયના નગર સેવક હતા.ત્યારથી લઇ અત્યાર સુધી છેલ્લી પાંચ ટર્મથી તેઓ મહાપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે.વર્ષ ૨૦૦૦ની ચૂંટણીમાં તેઓએ પરાજયનો સામનો પણ કરવો પડ્યો હતો.તેઓ એક બીજો રેકોર્ડ પણ ધરાવે છે. તેઓ જ્યારે પણ નગરસેવક તરીકે ચૂંટાયા છે ત્યારે તેઓને પક્ષ દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ૧૯૯૫થી ૨૦૦૦ સુધીની ટર્મમાં તેઓ મેયર અને શાસક પક્ષના નેતા રહ્યા હતા.૨૦૦૫ થી ૨૦૧૦ સુધીની ટર્મમાં તેઓને એક વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૦ થી ૨૦૧૫ સુધીની ટર્મમાં તેઓને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.અને ગત ટર્મમાં અર્થાત ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીની ટર્મમાં તેઓને અઢી વર્ષ માટે પક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની સમિતિના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી.ચાર વખત ચૂંટાયા અને તમામ વખતે પદાધિકારી રહ્યા.તમામ જવાબદારીમાં તેઓ બખૂબી પાર ઉતર્યા હતા.હવે મહાપાલિકાની ચૂંટણી નથી લડવી તેવી ઈચ્છા તેઓ ચોક્કસ પક્ષ સમક્ષ વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ તેઓની સિનિયોરીટી જોતાં એવું લાગતું નથી કે પક્ષ નિવૃત્તિ આપે.