વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકર ઘટનાસ્થળે દોડી ગયા: વાહન વ્યવહાર અટકાવી ફાયર બ્રિગેડ મારફત આખો રોડ પાણીથી સાફ કરાવ્યો
અબતક – રાજકોટ
શહેરના જામનગર રોડ પર પ્રેસ કોલોની પાસે આજે સવારે એક ટેન્કરમાંથી ઓઇલ ઢોળાવવાના કારણે અનેક વાહન ચાલકો સ્લિપ થયા હતાં. વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરને આ અંગે માહિતી પ્રાપ્ત થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને વાહન વ્યવહાર અટકાવી ફાયરબ્રિગેડ મારફત આખો રોડ સાફ કરાવ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતાં કોર્પોરેટર જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે વોર્ડ નં.2માં જામનગર રોડ પર પ્રેસ કોલોની પાસે આજે સવારે ટેન્કરમાંથી મોટી માત્રામાં ઓઇલ ઢોળાવવાના કારણે રોડ સ્લિપી બની ગયો હતો. જેના કારણે રિક્ષા, એક્ટીવા સહિતના અનેક વાહન ચાલકો રોડ પર સ્લિપ થયા હતા. આ વાતની જાણ થતાં હું અને ભાજપના કાર્યકરો તાત્કાલીક અસરથી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. બંને સાઇટ પર વાહનો રાખીને વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ તાત્કાલીક રેલ નગર ફાયર સ્ટેશન પર એક વોટર ટેન્કર મોકલ્યુ હતું. જેની મદદથી પ્રેસ કોલોનીથી લઇ બજરંગ વાડી સુધીના વિસ્તાર પાણીથી સાફ કરવામાં આવ્યો હતો. કોઇ વાહન ચાલકને વધુ ઇજા પહોંચી હોવાના સમાચારો પ્રાપ્ત થયા નથી.