સલ્લુ અને કેટની ફિલ્મ ’ભારત’એ પાંચ દિવસમાં જ રૂપિયા 150 કરોડની કમાણી કરી : રેખા- અમિતાભ , ધર્મેન્દ્ર – હેમા અને શાહરૂખ – કાજોલ બાદ અત્યારે બોલીવુડમાં સલમાન અને કેટરિનાની જોડી સુપર હિટ ગણવામાં આવે છે
હિન્દી ફિલ્મ જગત પર પર કઈ કેટલીય જોડીઓએ વર્ષો સુધી રાજ કર્યું છે. જેમ કે રેખા- અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર – હેમા માલિની અને શાહરૂખ ખાન – કાજોલ વિગેરે. અત્યારે બોલીવુડમાં સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી સુપર હિટ ગણવામાં આવે છે.
સલમાન ખાન તથા કેટરીના કૈફની ફિલ્મ ’ભારત’એ પાંચ દિવસમાં જ રૂપિયા 150 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે રવિવાર (9 જૂન)ના રોજ રૂપિયા 27.90 કરોડનો બિઝનેસ કર્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી હતી કે પ્રથમ દિવસે એટલે કે બુધવારે સલમાન ખાનની ફિલ્મે રૂપિયા 42.30 કરોડ, ગુરૂવાર રૂપિયા 31 કરોડ, શુક્રવાર રૂપિયા 22.20 કરોડ, શનિવાર રૂપિયા 26.70 કરોડ, રવિવાર રૂપિયા 27.90 કરોડની કમાણી કરી. ધમાકેદાર શરૂઆત બાદ વીકડેઝમાં પણ ફિલ્મે કમાણી કરી.
છ દિવસના આંકડા આવ્યા બાદ આ ફિલ્મ 2019ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે. સલમાન ખાનની ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સારી કમાણી કરી છે. ભારત સહિત વિશ્વભરમાં આ ફિલ્મે કુલ રૂપિયા 187.75 કરોડની કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ નરેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું, ’ભારત’એ સારું કલેક્શન કર્યું છે. રિલીઝ ડેટ પર જ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ હોવા છતાંય ’ભારત’ને ફાયદો થયો છે. જોકે, રવિવાર (9 જૂન)ના દિવસે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચની અસર જોવા મળી છે. આ ફિલ્મને વર્ડ ઓફ માઉથ તથા ક્રિટિક રેટિંગ સારું મળ્યું નથી. સોમવારથી કમાણીમાં ઘટાડો થયો નથી. . હવે, આ ફિલ્મ રૂપિયા 200 કરોડની કમાણી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. બોલીવુડ ફિલ્મોના નિષ્ણાત અમોદ મહેરાએ કહ્યું હતું, આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે પરંતુ આ અઠવાડિયે ફિલ્મની કમાણીમાં કદાચ ઘટાડો નોંધાશે. આથી જ ટિકિટના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં થિયેટરમાં શોમાં પણ ઘટાડવામાં આવ્યા છે. હવે જોવાનું એ છે કે ‘ભારત’ 200 કે 250 કરોડનો આંકડો પાર કરે છે કે નહીં ?
અહીં એક વાત તો નક્કી છે કે સલમાન ખાન અને કેટરિના કૈફને દર્શકો સાથે જોવા માગે છે. કેટલાક અતિ ઉત્સાહી લોકોએ તો સલમાન ખાન ને કેટરિના કૈફ સાથે લગ્ન કરી લેવાની સલાહ પણ આપી હતી. સલમાનની આગામી ફિલ્મમાં પણ કેટરિના જોવા મળે તો નવાઈ નહીં લાગે.