સાતમ- આઠમને માત્ર પાંચ દિવસ આડા રહ્યા છતાં નિગનને હજુ ખાંડ મળી જ નથી, લાભાર્થીઓમાં દેકારો
અબતક, રાજકોટ : ગરીબોની સાતમ આઠમ બગડી હોય તેવો ઘાટ સર્જાયો છે. ગરીબ લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનોમાંથી તેલ તો મળી ગયું છે પણ ખાંડનું હજુ સુધી વિતરણ કરવામાં આવ્યું નથી. સાતમ- આઠમને માત્ર પાંચ દિવસ આડા રહ્યા છતાં નિગનને હજુ ખાંડ મળી જ નથી. જેના કારણે લાભાર્થીઓમાં દેકારો મચી જવા પામ્યો છે.
રાજકોટ જિલ્લાના રાશનકાર્ડ ધારક ગરીબ પરિવારનો સાતમ-આઠમનો તહેવાર સુધારવા માટે વધારાનું તેલ અને ખાંડ આપવાની સરકારે જાહેરાત કરી હતી. તરાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દીવાળીના તહેવાર નિમિતે રાશનકાર્ડ ધારકોને વધારાનો જથ્થો દર વર્ષે આપવામા આવે છે. આ વખતે જન્માષ્ટમી ઉપર વધારાનું કપાસિયા તેલ અને ખાંડ આપવામા આવશે. અને અત્યોંદય સહિત તમામ કાર્ડધારકોને તેનો લાભ મળશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લામાં કુલ 2 લાખ 89 હજાર કાર્ડધારકો છે. આ તમામને કાર્ડદીઠ 1 લીટર કપાસિયા તેલ અને ત્રણ વ્યક્તિ સુધી 1 કિલો ખાંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્ડમાં ત્રણ વ્યક્તિથી વધુ સભ્ય હશે તો વધારાના દર વ્યક્તિદીઠ સાડા ત્રણ ગ્રામ ખાંડ વધુ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જેના પગલે ગરીબોએ સાતમ આઠમનું પર્વ સુધરશે તેવી આશા બાંધી હતી. પણ આ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. કારણકે હજુ સુધી નિગમના ગોડાઉન સુધી ખાંડનો જથ્થો પહોંચ્યો જ ન હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે સાતમ આઠમના પર્વને માત્ર પાંચ દિવસ જ આડા રહ્યા હોવા છતાં સસ્તા અનાજની દુકાનોમાંથી ખાંડનું વિતરણ થઈ શક્યું નથી. હજુ સુધી ખાંડ ન મળતા આતુરતા પૂર્વક ખાંડની રાહ જોઈ રહેલા લાભાર્થીઓમાં પણ દેકારો બોલી ગયો છે. લાભાર્થીઓમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી જન્મી છે.