-
ભાણીની સતામણીમાં બચાવવા વચ્ચે પડેલા પોલીસમેન મામા ઉપર હુમલો અને અને સ્કોર્પિયો કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ ચાર શખ્સોએ કર્યો તો
-
આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા દીપકભાઈ અને અન્ય સાહેદોની જુબાની નોંધવામાં આવી હતી.
દાસીજીવણપરામાં ભાણીની સતામણીમાં બચાવવા વચ્ચે પડેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર પાઇપ, બેઝબોલના ધોકાથી હુમલો અને અને સ્કોર્પિયો કાર માથે ચડાવી દેવાના હત્યાના પ્રયાસના 11 વર્ષ પહેલાના કેસમાં બે આરોપીઓને સાત વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, તા. 27/ 08/ 2013ના રોજ દાસી જીવણપરા શેરી નં. 3માં રહેતા ટ્રાફીક પોલીસ તરીકે ફરજ બજાવી રહેલ દીપકભાઈ મુળજીભાઈ પરમારને ત્યાં તેમની ભાણેજ મામાને ત્યાં આવી હતી, ત્યારે રાત્રિના સમયે કૃષ્ણ ઉત્સવના ડાયરા દરમિયાન વિશાલ જયેશભાઈ વાઘેલા સહિતના શખ્સો ભાણેજની મશ્કરી કરતા હોવાનું જોતા દીપકભાઈ પોતાની ભાણેજને બચાવવા માટે વચ્ચે પડેલા હતા. આથી વિશાલ વાઘેલા વગેરે લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકાથી હુમલો કરતા ગંભીર ઇજાને કારણે ઈજાના કારણે દીપકભાઈ જમીન ઉપર પડે ગયેલ. ત્યારે વિશાલ વાઘેલાએ પોતાની સ્કોર્પિયો ગાડી જમીન પર પડી ગયેલ દિપકભાઈ ઉપર ગાડી ફેરવી દેતા અતિ ગંભીર ઈજાઓને કારણે દીપકભાઈને હોસ્પિટલમાં ખસેડેલ જયાં તેનું ડીડી નિવેદન નોંધવામાં આવેલ હતું. જોકે દીપકભાઈ યોગ્ય સારવારના કારણે બચી ગયેલ હતા. આ બનાવમાં વિશાલ વાઘેલા ઉપરાંત પ્રદિપ ઉર્ફે પીન્ટુ વાઘેલા, મુકેશ કાંતિભાઈ મકવાણા અને નિતીન ખીમજીભાઈ સારેશા સામે ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે આરોપીઓને ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ ચાર્જશીટ મૂક્યું હતું.
આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા દીપકભાઈ અને અન્ય સાહેદોની જુબાની નોંધવામાં આવી હતી. જે દરમ્યાન સાહેદોએ બનાવ અંગેની સ્પષ્ટ વિગતો સચોટ રીતે જણાવેલ. આ કેસની વિશિષ્ટતા તે હતી કે જે યુવતિની મશ્કરી થઈ રહેલ હતી તે યુવતિ જુબાની દરમ્યાન હોસ્ટાઈલ જાહેર થયેલ હતી, અને તેણીએ વિશાલ વાઘેલા સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ પરિસ્થિતિનો લાભ લઈ બચાવ પક્ષે રજુઆત કરી હતી કે જે યુવતિની મશ્કરી થઈ રહેલ હતી તે યુવતિ જ બનાવને સમર્થન આપતી ન હોય ત્યારે આરોપી સામેનો કેસ સાબિત થયેલ ગણાય નહી. સરકાર તરફે સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરી હતી કે હોસ્ટાઈલ જાહેર થયેલ યુવતી ફકત મશ્કરીનો ભોગ બનનાર સાહેદ હતી. હાલનો કેસ યુવતીની મશ્કરી અંગેનો નહીં પરત ફરિયાદીની હત્યાની કોશિશનો છે, તેથી ફરિયાદી પોતાને થયેલ ઈજાઓ અંગે સ્પષ્ટ રીતે જણાવતા હોય અને આરોપીઓને ઓળખી બતાવતા હોય ત્યારે હત્યાની કોશિશનો ગુન્હો સાબીત થયેલ ગણાય. આવા સાબિત થયેલ ગુન્હાની સાથે હોસ્ટાઈલ થયેલ યુવતીના તેણી સાથેની મશ્કરીના કેસને જોડી શકાય નહી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ વી. કે. ભટ્ટે વિશાલ વાઘેલા અને પ્રદિપ ઉર્ફે પીન્ટુ વાઘેલાને સાત વર્ષની સખત કેદની સજા અને રૂપીયા પચાસ હજારનો દંડ, અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છુટકારાનો હુકમ કર્યો હતો.
બાદ સજા પામનાર બન્ને આરોપીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે બન્ને આરોપીઓ સામે ભૂતકાળમાં કોઈ ગુન્હો નોંધાયેલ નથી અને તેઓની ઉમર નાની છે, તેથી પ્રોબેશનનો લાભ આપવામાં આવે. તે સામે સરકાર તરફે જણાવેલ હતું કે બનાવ સમયે 19 વર્ષની ઉંમર ધરાવતા વિશાલ વાઘલા સ્કોર્પિયો ગાડી ફેરવતા હોય અને ગાડીમાં લોખડનો પાઈપ અને બેઝ બોલનો ધોકો રાખી યુવતીની મશ્કરી કરતા હોય, તેઓ માથાભારે રીઢા ગુન્હેગાર કહેવાય. તેથી આ બંને આરોપીઓને પ્રોબેશનનો લાભ આપી સજામાંથી મુકિત આપવાપાત્ર નથી. અરજી નામંજુર કરી બંન્નેને સાત વર્ષ સખ્ત કેદના હુકમ સાથે જેલહવાલે કરી દીધા હતા. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.