અર્થતંત્રના બેરોમીટર શેરબજાર દ્વારા પણ ૨૦૨૧માં ઇકોનોમી માટે આશાવાદ
કોરોના કાળ બાદ ભારતીય અર્થતંત્રે ગતિ પકડી: માંગ વધી અને હજુ વધશે, અઢળક મૂડી રોકાણની અપેક્ષા
કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ ઉત્પાદન અને નિકાસ માટે આધારસ્તંભ બનશે
કોરોના મહામારીએ ઘણું શીખવાડયું છે, ભારતીય અર્થતંત્ર માટે ઉજળા સંજોગો ઉભા કર્યા છે. હવે ભારત પોતાનું સાચું સામર્થ્ય બતાવવા તૈયાર પણ થઇ ચૂક્યું છે. વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, આગામી દાયકા ભારતના હશે જે હવે હકીકત સાબિત થવા જઈ રહ્યું છે. ૨૦૨૧નું બજેટ ભારત માટે ખૂબ અદ્ભુત બની રહેશે.
સમગ્ર વિશ્વમાં મહામારીએ આર્થિક પડકારો ઊભા કર્યા છે ત્યારે ભારતમાં આફતને અવસરમાં બદલવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી બજેટમાં માંગ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય સેવાઓ સહિતના મુદ્દા તો કેન્દ્ર સ્થાને જ રહેશે સાથોસાથ દેશને આત્મનિર્ભર બનાવવા ની સાથે નિકાસને વેગવાન બનાવવા પણ પ્રયત્ન થશે. ખાસ કરીને કૃષિ સેક્ટરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હુકમ નો એક્કો સાબિત થશે. નજીકના સમયમાં ઓટો મોબાઈલ સેક્ટર ઉર્જા ટ્રેક્ટર સહિતના ક્ષેત્રોમાં વી શેપની રિકવરી પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે ત્યારે શેરબજારમાં કોરોના મહામારીમાં આવેલા કડાકા છતાં થયેલી રીકવરી આગામી ભવિષ્યમાં શેરબજાર વધુ ઝડપથી આગળ વધશે તેવા સંકેતો આપે છે. છેલ્લા થોડા સમયમાં શેરબજારે કરેલી રીકવરી નોંધપાત્ર છે. અધુરામાં પૂરું સતત બે મહિનામાં શેરબજારમાં રૂા.૫૦,૦૦૦ કરોડનું એફપીઆઈ ઠલવાયું છે. આ બે મહિના અંદર જેટલી લેવાલી નીકળી છે તે છેલ્લા એક વર્ષમાં જોવા મળી નથી.
કોરોના બાદ શેરબજારમાં નવા રોકાણકારોની સંખ્યા એકાએક વધી જવા પામી છે. ભારત યુવાઓનો દેશ છે. ત્યારે અત્યાર સુધી સોના, રીયલ એસ્ટેટ સહિતના મુદ્દે યુવાનો રોકાણ તરફ આકર્ષાતા હતા જો કે હવે શેરબજારમાં પણ યુવા રોકાણકારોની સંખ્યા વધી છે. બચત અને રોકાણનો મંત્ર યુવા રોકાણકારો અપનાવી રહ્યાં છે. ભલે થોડુ તો થોડુ પરંતુ શેરબજારમાં રોકાણ યુવાનો કરી રહ્યાં છે. બીજી તરફ એચએનઆઈ ઈન્વેસ્ટર એટલે મસમોટા મુડી રોકાણકારો પણ શેરબજાર તરફ વધુ સક્રિય બન્યા છે. બજારમાં રોકાણની તેમની પેટર્ન બદલાઈ છે. છેલ્લા ચાર થી પાંચ આઈપીઓમાં રોકાણકારોની બલ્લે-બલ્લે થઈ ગઈ હતી. ખાસ કરીને બર્ગર કિંગ અને બેકટર ફૂડ જેવા આઈપીઓમાં રોકાણના મીઠા ફળ ચાખવા મળ્યા છે. આવા જ આઈપીઓ ૨૦૨૧માં વધુ જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ચાલુ ટ્રેડીંગ સપ્તાહમાં સેન્સેકસ સતત ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા બાદ મીડકેપ અને સ્મોલકેપમાં પણ રોકાણકારો આકર્ષાયા છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવેલા સરકારના ટેકાના કારણે આ સેકટર જોર પકડશે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારતના કેન્દ્રમાં પણ એમએસએમઈ ઉદ્યોગો છે ત્યારે ઉત્પાદન આધારિત સબસીડી નિકાસમાં પ્રોત્સાહન સહિતના મુદ્દા અર્થતંત્ર માટે અસરકારક બની રહેશે.
રેડી, સ્ટેડી, ગો…
અર્થતંત્રની ઉંચી ઉડાનના સંકેસો શેરબજાર આપી રહ્યું છે. બજારમાં સતત સ્થાનિક અને વિદેશી મુડી ઠલવાઈ રહી છે. આગામી વર્ષમાં ઉર્જા, એફએમસીજી, સીમેન્ટ, રીયલ એસ્ટેટ, ઓટો મોબાઈલ સહિતના સેકટરમાં મોટા પ્રમાણમાં લેવાલી જોવા મળશે. સેકટરમાં ખરીદી ખુલશે એટલે આપો આપ કંપનીની હાલત તંદુરસ્ત બનશે.
રીયલ એસ્ટેટ: દેશમાં કૃષિ સેકટર અને રીયલ એસ્ટેટ સતત ઝડપથી વિકસતા ક્ષેત્રો પૈકીનું એક છે. રીયલ એસ્ટેટ સેકટર સીધી અને આડકતરી રીતે અન્ય પાયાના સેકટર સાથે સંકળાયેલું છે. રીયલ એસ્ટેટનો વિકાસ ફર્નીચર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, પેઈન્ટ, વાયર, કેબલ અને સીમેન્ટ જેવા એકમો માટે પણ ફાયદારૂપ રહેશે. રીયલ એસ્ટેટ ૨૦૨૧માં જેટ ગતિએ આગળ વધશે.
ઓટો મોબાઈલ્સ: કોરોના મહામારી વચ્ચે ઓટો મોબાઈલ સેકટર એકદમ ઠંડુગાર થઈ ગયું હતું. જો કે મહામારીના કારણે લોકો વ્યક્તિગત વાહન ખરીદવા તરફ વળ્યા છે. ફોર વ્હીલરનું વેંચાણ વધ્યું છે. ટુ-વ્હીલરના વેંચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. જેના પરિણામે કહી શકાય કે, ૨૦૨૧માં ઓટો મોબાઈલ સેકટરમાં બુમ જોવા મળશે.
નિકાસ: આત્મનિર્ભર ભારતના પાયાના નિકાસ રહેલી છે. છેલ્લા થોડા સમયથી આયાત તળીયે છે અને નિકાસ ટોચ ઉપર છે, અત્યાર સુધી એવું થતું આવ્યું હતું કે, નિકાસ ઓછી હતી અને આયાત વધુ હતી જેનાથી વેપાર ખાદ્ય જોવા મળતી હતી. હવે ઉલ્ટી ગંગા છે. નિકાસથી થતી આવકમાં સતત વધારો થયો છે. સરકાર પણ નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપે છે. જો આવું બરકરાર રહ્યું તો ૨૦૨૧માં નિકાસ માટે સોનાનો સુરજ ઉગશે.
ઉર્જા: ઓટો મોબાઈલ સેકટરની જેમ ઉર્જા ક્ષેત્ર પણ એવું છે જેનો વિકાસ વી-સેપમાં થશે. ઉર્જા સેકટર અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. પોલીસીમાં નાના એવા ફેરફાર પણ ઉર્જા ક્ષેત્રને મસમોટી અસર પહોંચાડે છે. ત્યારે કોરોના મહામારી બાદ બજાર અને ઉદ્યોગને વેગ મળતા ઉર્જા ક્ષેત્ર પણ ગતિશીલ બનશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.