હાઈ કવોલીટીની નકલી નોટો લઈ એરપોર્ટની સિક્યુરીટી ક્લિયર કરનાર દુબઈના શખ્સને પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો
રૂા.૫૦૦ અને ૧૦૦૦ની નોટો રાતો રાત બંધ કરીને નવી નોટો ચલણમાં મુકવાથી આતંકવાદને ફંડીંગ, કાળુ નાણુ અને નકલી નોટોના દૂષણ સામે લડતને મજબૂતી મળશે તેવી આશા સરકારને હતી. પરંતુ સમયાંતરે આ આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું ફલીત થઈ રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નકલી નોટો સરળતાથી છપાઈ નહીં તે માટે રૂા.૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટોમાં સિક્યુરીટી ફીચર્સ મુકયા હતા. આ ફિચર્સને કોપી કરવા લગભગ અશક્ય હોવાના દાવો થયો હતો. પરંતુ વર્તમાન સમયે રૂા.૨૦૦૦ની નવી ચલણી નોટો પકડાઈ છે જે ૯ માંથી ૭ સિક્યુરીટી ફિચર્સ સાથેની છે. આ નોટો નકલી હોવાનું ખુલ્યું છે.
વિગતો મુજબ મુંબઈ એરપોર્ટની બહારી રૂા.૨૪ લાખની નકલી નોટો પોલીસના હાથે ચડી હતી. દુબઈથી જાવેદ શેખ નામનો આ નોટો ભારત લઈ આવ્યો હતો. પુછપરછ દરમિયાન આ નકલી નોટો પાકિસ્તાનમાં છપાઈ હતી, ત્યાંથી દુબઈ મોકલાઈ હતી અને દુબઈથી ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર હતું તેવું સામે આવ્યું હતું. આ નકલી નોટો એટલી હદે અસલી જેવી હતી કે, સામાન્ય માણસ તો શું મશીન પણ ઓળખવામાં થાપ ખાઈ ગયું હતું. જાવેદ શેખ એરપોર્ટની સિક્યુરીટીમાંથી આબાદ બચી બહાર આવ્યો હતો. જો કે, સીઆઈએની બાતમી મળી હોવાથી પોલીસે જાવેદ શેખને એરપોર્ટની બહાર જ બસ સ્ટેન્ડ નજીક પકડી પાડ્યો હતો. આ મામલે તપાસમાં પોલીસની સામે આવ્યું હતું કે, નવી રૂા.૨ હજારની નકલી નોટોમાં આરબીઆઈએ ગોઠવેલા ૯ માંથી ૭ સિક્યુરીટી ફિચર્સ જોવા મળે છે. જો કે, નોટમાં ઓપ્ટીલ વેરાયઈબલ ઈંક અને સી-થ્રુ રજીસ્ટર જેવા ફિચર્સ નથી.
આ બન્ને ફિચર્સ નોટોને ફેરવવાથી કલર બદલાવવા ઉપયોગમાં લેવાય છે જ્યારે અન્ય એક ફિચર્સમાં રૂા.૨ હજારની નોટ લાઈટ સામે રાખવાથી છુપાયેલા ફિચર્સ સામે આવે છે.
અહીં નોંધનીય છે કે, અગાઉ પણ ભારતમાં નકલી નોટો ઘુસાડવાના અનેક કારસ્તાનનો પર્દાફાશ એનઆઈએ સહિતની સંસ્થાઓ કરી ચૂકી છે. જો કે, થોડા સમયથી પોલીસના હાથે લાગી રહેલી નકલી નોટોમાં મોટાભાગના ફિચર્સ જોવા મળી રહ્યાં છે. એરપોર્ટ નજીકથી તાજેતરમાં પકડાયેલી નકલી નોટો અત્યાધુનિક મશીનરીથી છાપવામાં આવી હોવાનું ફલીત થાય છે. પાકિસ્તાનથી ભારતમાં નકલી નોટો ઘુસાડવામાં આવતી હોવાનું આ વધુ એક કારસ્તાન પોલીસના હાથે લાગ્યું છે.