રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને મળતી સહાયની વિગતો રજૂ કરવામાં ઉદાસીનતા દાખવનારી 7 સ્કૂલોને શહેર ડીઈઓ દ્વારા દંડ ફટકારાયો છે. સ્કૂલોને વિદ્યાર્થીઓની વિગતો રજૂ કરવા માટે અનેક વખત જાણ કરી હોવા છતાં વિગતો રજૂ કરી ન હતી. આમ, સમયસર વિગતો રજૂ ન કરતા નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ નોટિસ પછી પણ સ્કૂલો દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો ન કરવામાં આવતા રૂ. 10 હજાર લેખે તમામ 7 સ્કૂલોને દંડ કરાયો છે.
આરટીઇ એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક રૂ.3 હજારની સહાય ચૂકવાય છે
આમ, નોટિસ પછી પણ વિગતો ન મોકલવા બદલ ડીઈઓ દ્વારા લાલઆંખ કરાઈ છે. આરટીઇ એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક રૂ. 3 હજારની સહાય ચૂકવાતી હોય છે. આ સહાય બાળકોને સમયસર મળી રહે તે માટે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પોર્ટલ તૈયાર કરાયું હતું. જેમાં તમામ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની વિગતો અપલોડ કર્યા બાદ તેના આધારે વિદ્યાર્થીઓને સહાયની ચુકવણી કરી દેવાઈ હતી. જોકે, શહેરની સાત જેટલી સ્કૂલોએ વિદ્યાર્થીઓની સહાય માટેની પ્રક્રિયા કરી ન હતી.
આ સ્કૂલોએ છઝઊ દ્વારા શાળાને સરકાર તરફથી મળતી ફીની રકમ મેળવવા માટેની પ્રક્રિયા કરાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓની સહાયને લઈને ઉદાસીનતા દાખવી હતી. જેથી તેમની સામે કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળે છે. આમ, વિદ્યાર્થીઓને સમયસર સહાય મળી ન હોવાથી ડીઈઓ દ્વારા સ્કૂલોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, નોટિસ પછી પણ સ્કૂલોની આંખ ખૂલી ન હતી અને તેમણે નોટિસનો ખુલાસો કરવાની તસ્દી પણ લીધી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓની વિગતો પણ મોકલી ન હતી.