મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અભિવાદન સન્માન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારોએ મોમેન્ટો અને શાલ અર્પણ કરી અભિવાદન-સન્માન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં કોઇ પણ કઠિન પરિસ્થિતીમાં પણ અસ્ખલિત વીજ પૂરવઠો સુનિશ્ચિત કરવાનું કર્તવ્ય નિભાવનારા વિદ્યુત કામદારોએ વિવિધ પડતર પ્રશ્નોના સંદર્ભે કરેલી રજૂઆતોનું સરકારે ઝડપી અને સંવેદનશીલ અભિગમ સાથે નિરાકરણ લાવીને કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ ઉકેલ આપ્યો છે.
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાના નેતૃત્વમાં સંઘના સિનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ તથા સમગ્ર ગુજરાતના હોદ્દેદારોના આ સન્માનનો પ્રતિભાવ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને ગુજરાતની વિકાસની રોશની પ્રસરાવવામાં પાયાની ભૂમિકા ભજવતા વિદ્યુત કર્મચારીઓની વ્યાજબી માગણીઓનો ઉકેલ આપ્યો છે.
મુખ્યમંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું કે કર્મચારીઓને તેમનો હક આપવામાં આ સરકારે હંમેશા સંવેદનશીલતા અને ત્વરિતતા દાખવી છે. તમે અમારા છો અને સરકાર તમારી છે એ ભાવ સાથે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર પ્રયત્નશીલ છે, એવું લાગણીસભર નિવેદન કરીને મુખ્યમંત્રીએ વિદ્યુત કર્મચારીઓની કાર્યદક્ષતાને બિરદાવી હતી.
આ પ્રસંગે વિદ્યુત કર્મચારીઓએ ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી વાસણભાઈ આહીરનું પણ સન્માન કર્યું હતું. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ રાજ્યની સાત વીજ કંપનીઓના ૩૨,૦૦૦ કર્મયોગીઓનું સંગઠન છે. સરકારે સંવેદનશીલ નિર્ણય લઈને ઊર્જા ક્ષેત્રની સાત જાહેર કંપનીઓના ૫૨,૦૦૦ કર્મચારીઓને સાતમા નાણાં પંચનો લાભ આપ્યો છે. ૧૯ મહિનાનું એરિયર્સ ત્રણ તબક્કામાં આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
આ સિવાય સરકારે કર્મચારીઓની અન્ય માગણીઓ પ્રત્યે પણ સકારાત્મક વલણ રાખીને વિદ્યુત સહાયક કર્મચારીઓને સ્ટાઇપેન્ડમાં પગાર વધારાનો નિર્ણય કર્યો છે. આ પૈકી ચોથા વર્ગમાં મહિને રૂ. ૨૫૦૦, ત્રીજા વર્ગમાં રૂ. ૩૨૦૦ અને ક્લાસ-૨માં મહિને રૂ. ૭,૫૦૦ની વૃદ્ધિ જાહેર કરી છે.