- આર્થિક કૌભાંડી, ચારિત્ર હિન નેતાને પ્રમુખ પદ નહીં મળે: ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહિલાઓને પણ અઘ્યક્ષ બનાવાની તક: વય બાંધણા હટાવાયા: સંભવત: 8મીએ પ્રમુખના નામ જાહેર
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને મહાનગરોના પ્રમુખ બનવા નેતાઓએ પાર્ટી દ્વારા નિર્ધારિત કરેલા અલ અલગ સાત નિયમોનું પાલન કરવું પડશે. આવતીકાલે સંગઠન ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રમુખ બનવા ઇચ્છુકોના ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. આગામી રવિવારે જે તે જિલ્લા અને મહાનગરોમાં સંકલન સમિતિની બેઠક મળશે. સોમવારે ફરી પ્રદેશમાં બેઠક મળશે સંભવત: 8મીએ તમામ જીલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવશે.
મંડળ પ્રમુખોની પસંદગીમાં ભાજપ દ્વારા 40 થી 4પ વર્ષ વય મર્યાદા નિયુકિત કરવામાં આવી હતી. જેની સામે રાજયભરમાં વ્યાપક નારાજગી જોવા મળી હતી. આ ઉપરાંત સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ચૂઁટાયેલા જન પ્રતિનિધિઓ મંડળ પ્રમુખ બની શકશે નહી. તે નિયમ પણ રાખવામાં આવ્યો હતો. દરમિયાન જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિયુકિતમાં અગાઉ જે 60 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી હતી તે હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ચુંટાયેલા જન પ્રતિનિધિઓ પણ પ્રમુખ બની શકશે. દાવેદારી કરી શકશે.
જિલ્લા અને મહાનગરના પ્રમુખ બનવા માટે અલગ અલગ સાત નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. સક્રિય સદસ્યતા પહોંચ – સક્રિય સદસ્યતા કાર્ડ – સક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર,
જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત) જિલ્લા મહાનગરનાજિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની) જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે. અને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
આવતીકાલે રાજયના તમામ જીલ્લા અને મહાનગરોમાં સંગઠન ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી કરનારાઓના ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. દરમિયાન આગામી રવિવારે સ્થાનીક કક્ષાએ સંકલનની બેઠક મળશે. જેમાં ચુંટણી અધિકારી સમક્ષ આવેલા ફોર્મની સ્કુટીની કરવામાં આવશે. સોમવારે ફરી પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ ભાજપ ચુંટણી અધિકારી – ધારાસભ્ય ઉદય કાનગડના અઘ્યક્ષ સ્થાને તમામ જિલ્લા અને મહાનગરોના ચુંટણી અધિકારીઓની બેઠક મળશે જેમાં પ્રમુખ પદ માટે દાવેદારી કરનારાઓના ફોર્મ રજુ કરી દેવામાં આવશે. આ તમામ ફોર્મ મંગળવારે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. સંભવત: 8મી જાન્યુઆરીના રોજ પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા મોટાભાગના જિલ્લા મહાનગરોના પ્રમુખના નામો જાહેર કરી દેવામાં આવશે.
વય મર્યાદાનો નિયમ દુર કરી દેવામાં આવ્યો છે. સાથો સાથ કોર્પોરેટરોને પણ ઉમેદવારી કરવા માટે છુટ આપવામાં આવી હોવાના કારણે દાવેદારોનો રાફડો ફાટશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલીકઓની ચુંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શકયતા હોય નવ નિયુકત પ્રમુખો સામે ખુરશીએ બેસતાની સાથે જ મોટો પડકાર આવીને ઉભો રહી જશે.
- જીલ્લા કે મહાનગરના ભાજપ પ્રમુખ બનવા આ 7 શરતોનું કરવું પડશે પાલન
- વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે
- જીલ્લા – મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)
- જીલ્લા – મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
- પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)
- જે જીલ્લા – મહાનગર પ્રમુખ સતત બે ટર્મ /મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
- જીલ્લા – મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).
- પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.