ટંકારા પંથકના ૫ કારખાના અને આટકોટના બંધ શેડમાં ચોરી કર્યાની કબુલાત: એલસીબીએ રૂ.૭.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ અને મોરબી જિલ્લાનાં બંધ કારખાનાને નિશાન બનાવતી ગેંગનાં સાત સભ્યોને રાજકોટ એલસીબીના સ્ટાફે આટકોટ પાસેથી ઝડપી લઈ બે વાહન અને એ.સી., ફ્રીજ સહિતની વસ્તુઓ મળી રૂા.૭.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી ટંકારા પંથકનાં ત્રણ જીનીંગ અને એક કારખાનામાં તેમજ આટકોટ પાસે શેડમાં ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે મુદામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો ડામી દેવા અને વણઉકેલ બનાવોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ. એમ.એન.રાણાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે વાહનમાં ચોરાઉ માલ વેંચવા ટોળકી આટકોટ તરફ જતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે વોંચ ગોઠવી હતી. વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે વાહનોને અટકાવી વાહનોમાં રહેલા એ.સી., ફ્રીજ, મોટર સહિતની વસ્તુઓ અંગે રાજકોટનાં યોગેશ ઉર્ફે રાકેશ મહેન્દ્ર સીંગર, જનક મહેન્દ્ર સીંગર, રાજેશ ઉર્ફે રાજુ લીંબા ચૌહાણ, સંજય કાન્તી સોલંકી, વિજય બટુક સોલંકી, શાહખાન ઈસ્માઈલ અંસારી અને ઉમેશ માધુ સોલંકીની અટકાયત કરી હતી. ઝડપાયેલી ટોળકીએ બંધ ફેકટરીઓને નિશાન બનાવી જેમાં ટંકારા તાલુકા લતીપુર પાસે આઈકૃપા કોટનમાંથી, છતર પાસેથી આલ્ફા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી, લતીપુર પાસે પરીક્ષમ કોટન ઈન્ડસ્ટ્રીઝ, ઓમ કોટન નામના કારખાનામાં અને આટકોટ પાસે શેડમાંથી મળી રૂા.૭.૬૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.આ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. એમ.એન.રાણા, પો.સબ ઈન્સ. એચ.એ.જાડેજા, એ.એસ.આઈ. પ્રભાતભાઈ બાલાસરા, સ્ટાફના મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, અનીલભાઈ રવજીભાઈ ગુજરાતી, મહેશભાઈ જાની, મયુરસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વલ્લભભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ દવે અને ભીખુભાઈએ કામગીરી બજાવી હતી.