સાંતલપુર- રાધનપુર  પંથકના બે પરિવારનો માળો વિખાયો ; વહેલી સવારે કાર વૃક્ષ સાથે અથડાયા બાદ આગ લાગતા  કોરડા અને નાનાપુરા ગામના બે દંપતિ – પુત્ર-પુત્રી સહિત ૭ સભ્યોનો ભોગ લેવાયો

ટ્રક ચાલકની શોધખોળ ; માલવણ પોલીસ અને એફ.એસ.એલની ટીમે તપાસ હાથ ધરી

માલવાણ તાલુકાના ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકે  ઇકો કારને અડફેટે લેતા કાર ખેતરમાં ઘુસી જઈ વૃક્ષ સાથે અથડાતા ૭  લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. બનાવ અંગે જાણ થતાં માલવણ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

એક જ પરીવારના ૪ સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . પતિ, પત્નિ અને ૨ બાળકોના કરૂણ મોત નીપજયા છે. જયારે અન્ય ૩ લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે. જેમાં પતિ પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે. આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરીને પરત ફરતા મોડીરાત્રે અકસ્માત સર્જાતા કરુણ મોત નીપજયા છે. જયારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયેલ છે. હાલમાં સમગ્ર અકસ્માત મામલે માલવણ પોલીસે તપાસ પણ શરૂ કરી દઈ એફ.એસ.એલ વિભાગને જાણ કરી હતી. તો નાનાપુરા અને કોરડા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

અકસ્માતની વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી સુરેન્દ્રનગર આવતું ડમ્પર અને સુરેન્દ્રનગરથી ખેરવા તરફ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાવાનાં પામ્યો હતો. ત્યારે ખેરવા ગામ પાસે આવતા વળાંકમાં ઇકો કાર પૂરઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ ખેતરમાં ઘુસી જય ભડભડ સળગી જવા પામી હતી. વહેલી સવારે આ રોડ ઉપર કોઈ અવાર જવર ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી અને કયાં કોઈ પણ જાતની ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે ઇકો કાર અકસ્માત બાદ સળગતી રહી હતી. જે  જીવલેણ અકસ્માતમાં સાંતલપુરના કોરડા ગામના નાઇ રમેશભાઇ મનસુખભાઇ, નાઈ કૈલાષબેન રમેશભાઈ – પત્નિ, નાઇ મિતલ રમેશભાઇ – પુત્રી નાઇ શનિ રમેશભાઇ  પુત્ર તથા નાનાપુરા (રાઘનપુર)ના નાઇ હરેશભાઇ ચતુરભાઇ, નાઇ તેજલબેન હરેશભાઇ – પત્નિ, નાઇ હર્ષદ હરેશભાઇ – પુત્ર જીવતા આગમાં સળગી જતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બનાવ અંગે જાણ થતા  માલવણ પીએસઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કાર અથડાતાની સાથે કારમાં આગ લાગી જવા પામી હતી જેને લઈને અંદર બેસેલા સાત લોકો ઘટના સ્થળે જ બળીને ભડથું થઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં ગાડીની નંબર પ્લેટ ઉપરથી તેમના પરિવારજનોની વિગત મેળવતા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પરિવાર વરાહી ગામનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે હાલમાં કોઈ મૃતકની ડેડ બોડી પણ હાથમાં આવી નથી. તમામ ઇકોના કાર સવાર બળીને ભડથું થઈ જવા પામ્યા છે.

લેન્ડલાઈન બંધ રહેતા માલવણ પોલીસ સંપર્ક વિહોણી ?

માલવણ પોલીસ મથકનો લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં આવતો હોવાના કારણે આ અકસ્માત બાદ રાહદારીઓ દ્વારા કોઇપણ જાતનો પોલીસનો સંપર્ક થવા પામ્યો ન હતો ત્યારે ત્યાંથી પસાર થતા જાગૃત નાગરિક દ્વારા પોલીસ સ્ટેશનના પીએસઆઇનો નંબર સાધતા ત્યારબાદ માલવણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તાકીદે એફ.એસ.એલ અને ૧૦૮ ની ટીમને જાણ કરી હતી.ધોરી માર્ગ પર બનતા જીવલેણ અકસ્માતો વચ્ચે જો સ્થાનિક પોલીસનો સંપર્ક નો થાય તો કોનો સંપર્ક સાધવો ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.