મોરબીમાં ગતવર્ષે ભારે વરસાદમાં મોટાભાગના રોડ રસ્તાની સાથે તંત્રની આબરૂનું ધોવાણ થયું હતું ત્યારે એક વર્ષમાં તંત્રને રોડ બનાવવાનું સૂઝ્યું ન હતું. હવે તંત્રએ વરસાદની સિઝન શરૂ થતાં રોડ બનાવવાનું કામ હાથ ઉપર લીધું છે. એટલું જ નહીં ગઈકાલે વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાયેલા હોય છતાં એ રોડ પર તંત્રએ ડામર પાથરી દીધો હતો. પાણીમાં ડામર ટકતો નથી, એ તંત્ર સારી પેઠે જાણતું હોવા છતાં આ અક્કલનું પ્રદર્શન કરીને લોકોના પૈસાનું પાણી કરી નાખ્યું છે.
મોરબીમાં બે દિવસથી વરસાદનું વાતાવરણ રહ્યું છે. વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ભરાયેલા છે. તેથી, ત્યાં નવા રોડનું કામ અશક્ય છે. તે જાણવા છતાં તંત્રએ રોડનું કામ કરી નાખ્યું હતું! જો કે ગત વર્ષથી વરસાદને કારણે તમામ રોડ રસ્તા ભંગારમાં ફેરવાયેલા છે. પણ એક વર્ષમાં તંત્રએ રોડના કોઈ કામો કર્યા નથી. જોકે શરૂઆતમાં ઘણી બેદરકારી રાખ્યા બાદ લોકડાઉન પહેલા અમુક રોડના કામો કર્યા હતા. પણ હજુ ઘણા રોડના કામો બાકી છે.
લોકડાઉનમાં છૂટછાટ મળી ત્યારે પણ ત્યારે તંત્રને રોડનું કામ સૂઝ્યું ન હતું.
હવે જ્યારે વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારે તંત્રને રોડના કામો કરવાનું ડહાપણ સૂઝ્યું છે. જેમાં વરસાદ પડ્યો હોય રોડ પાણી પાણી હોવા છતાં ગાંધી ચોકથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના માર્ગ બનાવવામાં આવ્યો હતો.
આ રોડમાં પાણી ભરેલા હોવા છતાં ડામર રોડનું કામ કરવામાં આવ્યું હતું. જોકે ડામર પાણી પર ટકતો નથી. ઉપરાંત, ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેથી, તંત્રએ આ રોડનું કામ કરીને બુદ્ધિનું દેવાળું ફુક્યું છે.