ટેક્ષટાઇલ, સેકટર, કેમિકલ્સ સેકટર અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે એમઓયુ કરાયા: રપ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.
આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના એમ.ઓ.યુ.નો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.
આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. 4 હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત એમ.ઓ.યુ. થયા છે. તેનાથી 25 હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા એમ.ઓ.યુ. સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 8,373 કરોડના રોકાણોના 19 એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 24,300થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. 4 હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને 25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા એમ.ઓ.યુ. થયા હતા. આ એમ.ઓ.યુ. અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 103.25 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-2024માં કાર્યરત થતા 150 જેટલી રોજગારી પ્રાપ્ત થશે.
સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2024સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા અઙક કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 153.98 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 225 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં 546 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. 450 કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. પાય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 15 હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-2024 સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.
સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે 3.31 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. 119.93 કરોડના રોકાણો સાથે એમ.ઓ.યુ. થયા છે. 582 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 7 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2024 સુધીમાં તે કાર્યરત થશે.
આ પાંચ એમ.ઓ.યુ. ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ. 3000 કરોડના રોકાણો માટે બે એમ.ઓ.યુ. થયા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. 2600 કરોડના રોકાણ માટે એમ.ઓ.યુ. કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે, જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોમ્ર્યુલશનનું ઉત્પાદન 2025-26માં શરૂ થશે.
કેમિકલ ક્ષેત્રે અન્ય એક કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના પખાજણ ગામે રબર કેમિકલ્સ, લુબ્રિક્ધટ એડિટિવ્સ તથા સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે રૂ. 400 કરોડનું રોકાણ કરવામાં આવશે. એપ્રિલ-2024માં આ એકમ કાર્યરત થતા 250 રોજગારીની તકોનું સર્જન થશે.
એમ.ઓ.યુ. કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.
રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.
આ એમ.ઓ.યુ. સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.