ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે રૂ.૨૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતનો વિશાળ દરિયાઈ કિનારો જાણે સ્મગલરો માટે ખુલ્લો દ્વાર હોય તેમ નશાકારક પદાર્થોના જંગી જથ્થાનો વેપલો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારના વધુ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે પોરબંદરના દરિયામાંથી રૂ.૨૫૦ કરોડના ૫૦ કિલોગ્રામ જથ્થા સાથે સાત ઈરાની નાગરિકોને ઝડપી પાડ્યા છે.

દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાનો વધુ એકવાર ડ્રગ્સના કાળા કારોબાર માટે ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાના હેરોઈનનો જથ્થો ગુજરાતની સરહદ પર ઉતરે તે પહેલા જ દરિયામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ હેરોઈનના જથ્થા સાથે સાત ઈરાની નાગરિકોની ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યા મુજબ, તેઓને ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાના પ્રયાસની ચોક્કસ માહિતી મળી હતી. માહિતીના આધારે એટીએસએ ગુજરાત કોસ્ટગાર્ડ સાથે ઓપરેશન હાથ ધર્યું હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન ઈરાનની એક બોટ પરથી ૩૦ થી ૫૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૧૫૦થી ૨૫૦ કરોડની ગણવામાં આવી રહી છે. જે બોટમાં હેરોઇનનો જંગી જથ્થો મળ્યો તેની સાથે સાત ઈરાની ક્રુમેમ્બરો પણ ઝડપાયા છે. જેઓને આજરોજ પોરબંદરના કિનારે લાવવામાં આવશે.

પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં હેરોઇનના જથ્થા સાથે એક ઈરાની બોટ આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન હાથધર્યું હતું. ઈરાની બોટ ઝડપી તેની તલાશી લેતા તેમાંથી કરોડો રૂપિયાનો જંગી હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.