રાજકોટમાં બેફામ કારચાલકે વૃદ્ધને કચડ્યા : વિસનગરમાં 7 વર્ષીય બાળકીનું અકસ્માતમાં કરુણ મોત
રાજ્યમાં ગોજારા અકસ્માતની એક બે નહીં પાંચ ઘટના સામે આવી છે. જેમા મહેસાણામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જઈ રહેલી બાળકીનુ અકસ્માતમાં મોત થયુ છે. જ્યારે રાજકોટમાં બેફામ કાર ચાલકે રોંગ સાઈડમાં કાર હંકારી એક વૃદ્ધાને કચડ્યા છે. બનાસકાંઠામાં ટ્રક અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયુ છે.
રાજ્યમાં ગોઝારા અકસ્માતની 5 ઘટનાઓ સામે આવી છે. જેમા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌપ્રથમ કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરના ચિત્રડ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. બીજી બાજુ મહેસાણાના વીસનગરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે શાળાએ જઈ રહેલી 7 વર્ષની બાળકીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મોપેડ પર માતા બાળકીને શાળાએ મુકવા જતી હતી ત્યારે ડમ્પર અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. ડમ્પરની અડફેટે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું જ્યારે ઈજાગ્રસ્ત માતા સારવાર હેઠળ છે.રાજકોટમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે એક વૃદ્ધાનો જીવ લીધો છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા પાટીદાર ચોકમાં કાર ચાલકે રોંગ સાઈડમાં આવતી કારે મોપેડ ચાલક વૃદ્ધ દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. અકસ્માતની સમગ્ર ઘટના ઘટનાસ્થળના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે.
બનાસકાંઠામાં થરાદ અને ડીસા હાઈવે પર અકસ્માત થયો જેમા ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયુ છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે એસટી બસના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાઈ ગયા હતા. પોલીસે પરિસ્થિતિ થાળે પાડી ફરી ટ્રાફિક યંત્રવત કરાવ્યો હતો.
આ તરફ જૂનાગઢમાં વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમા એક વ્યક્તિનું મોત થયુ છે. મોણિયા રોડ પર બે કાર સામસામે ટકરાઈ હતી અને 4 લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે દાહોદમાં પાનમ પુલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 2 યુવકના મોત થયા છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. દેવગઢબારિયાના મોતીપુરા નજીક આ અકસ્માત સર્જાયો હતો.