સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સીતેર વર્ષ નિમિતે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો: વિમોચન, વરિષ્ઠ વંદના, અભિવાદન અને દેશભકિતનાં ગીતો ગુંજયા
ગુજરાત અને દેશની ક્ષેત્રની અગ્રણી સંસ્થા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનાને સિતેર વર્ષ પુરા થયા છે. આ પ્રસંગે તાજેતરમાં રાજકોટ ખાતે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો હતો. સમિતિ અને સાથી સંસ્થાઓના કાર્યકરો અને તેમના બૃહદ પરિવારનું મિલન, સમિતિના સાત દાયકાનો ઈતિહાસ આલેખતા ગ્રંથ સૌરસના સાત દાયકા: પુરુષાર્થ અને પ્રગતિનું વિમોચન, સમિતિના માનવંતા સભ્યો, જેઓ ૯૦માં વર્ષમાં પ્રવેશેલા કે તેથી વધારે ઉંમરના હોય તેમની વરિષ્ઠ વંદના ઉપરાંત સમિતિના સામાન્ય સભ્યો કે જેઓ ૭૦ વર્ષ કે તેથી વધારે ઉંમરના હોય અને સમિતિ સંચાલિત કેન્દ્રોના વ્યવસ્થાપકોની ફરજ બજાવી નિવૃત થયેલ વ્યવસ્થાપકોનું અભિવાદન યોજાયું હતું. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં જાણીતા ગાયક અભેસિંહ રાઠોડ અને સાથીદારોએ દેશભકિતના અને ગાંધીગીતો રજુ કર્યા હતા. આ ચતુર્વિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
સૌરસ પરિવાર મિલન સમારંભનાં પ્રમુખસ્થાને સમિતિના કાયમી વરિષ્ઠ સભ્ય ગોકળદાસભાઈ પરમાર હતા. સંસ્થાનાં પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઈ ઉપરાંત મનુભાઈ મહેતા, લોકભારતી (સણોસરા)નાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.અરૂણભાઈ દવે અને ડો.અનામિકભાઈ શાહની ઉપસ્થિતિ હતી. સૌરસના સાત દાયકા: પુરુષાર્થ અને પ્રગતિ ગ્રંથના પહેલા ભાગનું વિમોચન જાણીતા લેખક અને નિરીક્ષક પખવાડિકના તંત્રી પ્રકાશભાઈ શાહના હસ્તે થયું હતું.
સમગ્ર દિવસ દરમિયાન બે તબકકામાં આયોજિત સમારંભનો આરંભ સવારે સમુહ કાંતણની થયો હતો. સમિતિનાં મંત્રી વલ્લભભાઈ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પુસ્તકનાં સંપાદક રાજુલ દવેએ ગ્રંથનો પરિચય આપ્યો હતો. સમિતિનાં ઉપપ્રમુખ અને ગ્રંથ સંપાદક મંડળના સભ્ય હિંમતભાઈ ગોડાએ સંસ્થાએ સાત દાયકામાં કરેલી પ્રવૃતિનો સંક્ષેપમાં ખ્યાલ આપ્યો હતો. પુસ્તકનું વિમોચન કર્યા બાદ પ્રકાશભાઈ શાહે કહ્યું કે, આઝાદીના આરંભના વર્ષોમાં સૌરાષ્ટ્ર સરકાર અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સંચાલકોએ પ્રજાકીય ધોરણે કરેલા કાર્યોનું આજના સંદર્ભમાં ખાસ મહત્વ છે.
આઝાદીના ચાર દાયકા સુધી પ્રજા સાથે જીવંત સંપર્ક ધરાવનાર આગેવાનો સતાસ્થાને આવતા હતા. એ પરંપરા પાછળ ઘણાં વર્ષોથી નબળી પડી છે, જે બાબત સ્વસ્થ લોકશાહી માટે સારી નિશાની નથી. ખાદી ક્ષેત્રના અગ્રણી મનુભાઈ મહેતાએ પોતાના જીવન ઘડતરમાં સમિતિના યોગદાનનું ભાવપૂર્વક સમરણ કર્યું હતું. લોકભારતી (સણોસરા)નાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.અ‚ણભાઈ દવેએ સમિતિ દ્વારા કરવામાં આવેલી અનેકવિધ પ્રવૃતિઓને યાદ કરી તેની ડોકયુમેન્ટરી ઉતારવાનું સુચન કર્યું હતું. તેમણે કહ્યું કે ઈતિહાસની સાથે ભવિષ્યની કાર્યયોજના બારામાં પણ એક ગ્રંથ પ્રસિદ્ધ થવો જોઈએ. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો.અનામિક શાહે કેટલીક યોજનાઓમાં સમિતિ અને વિદ્યાપીઠ સંયુકતપણે કામ કરે તેવું સુચન કર્યું હતું.
મિલન સમારંભનાં પ્રમુખ, ૯૭ વર્ષીય ગોકળદાસભાઈ પરમારે કહ્યું હતું કે, આજે માનવીનું જીવન લંબાયું છે, પણ નૈતિકતા ઘટી છે. મનોરંજનના સાધનો વઘ્યા છે, પણ માનવતા ઘટી છે. ધર્મ અને ધાર્મિક સંસ્થાઓનું પ્રભુત્વ વઘ્યું, પણ સમાજમાં ધાર્મિકતા ઘટી છે. આ સંજોગોમાં રચનાત્મક કાર્ય કરવું કઠિન હોવા છતાં આ પ્રવૃતિ કરનાર લોકોએ નાસીપાસ થયા વગર પોતાના ધ્યેયને વળગી રહેવાનું છે.
કાર્યક્રમમાં સાથી સંસ્થાઓનાં હોદેદારો મિત્ર સંસ્થાનાં હોદેદારો ઉપરાંત કવિ મનહર ત્રિવેદી, જયંતીભાઈ કાલરિયા, અલ્પનાબેન ત્રિવેદી, જીતેન્દ્ર ભટ્ટ, બળવંતભાઈ દેસાઈ, ગોવિંદભાઈ ડાભી, પિનાકી મેઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે પરાગ ત્રિવેદી, ગિરીશ ભટ્ટ, અશ્ર્વિનભાઈ દવે, દિપેશ બક્ષી, જિતેન્દ્ર શુકલ, પ્રવિણભાઈ પટેલ ઉપરાંત ખાદી ભવન (રાજકોટ) સમિતિના મુખ્ય કાર્યાલય અને અંબર સરંજામ વિભાગના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.