રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા : આશરો આપનારા વિરુદ્ધ પણ થઇ શકે છે કાર્યવાહી

મોરબી પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ અદાલતે જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટે ૮ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી પુલ દુર્ઘટના મામલે પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના ૮ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ ૩૦૪ મુજબ ગુન્હો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.

ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો છે. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં ૪૯માંથી ૨૨ તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.