ગીર વિસ્તારમાં ગેર કાયદે ખનન અંગે પીઆઇએલ કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટની અમદાવાદ હાઇકોર્ટ પાસે નવ વર્ષ પહેલાં હત્યા થઇ’તી: ૧૯૨ સાહેદ પૈકી ૧૫૫ સાક્ષી હોસ્ટાઇલ જાહેર થયા’તા: સીબીઆઇ કોર્ટનો મહત્વનો ચુકાદો
ગીર વિસ્તારમાં ચાલતા ગેર કાયદે ખનન પ્રકરણ અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ અમીત જેઠવાની નવ વર્ષ પહેલાં અમદાવાદ હાઇકોર્ટ પાસે થયેલી હત્યા કેસમાં સંડોવાયેલા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાતને સીબીઆઇ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.
અમિત જેઠવા ગત તા.૨૦-૭-૨૦૧૦ના રોજ અમદાવાદ હાઇકોર્ટ ગયા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગીર વિસ્તારમાં ચાલતા ગેર કાયદે ખનીજ ચોરી અંગે કેટલીક સ્ફોટક વિગતો એકઠી કરી હતી. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાને ભીસમાં લીધા હોવાથી તેની હત્યા કરાયાની અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત સામે ફરિયાદ નોંધાતા તેની ધરપકડ અંગે પણ લાંબો કાનૂની જંગ ચાલ્યો હતો અને સ્થાનિક પોલીસ પૂર્વ સાંસદ હોવાના કારણે કાર્યવાહી કરવામાં ઉણી ઉતરતી હોવાના આક્ષેપ થયા બાદ સીબીઆઇને તપાસ સોપવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા હત્યા કેસમાં સંડોવાયેલા તમામની ધરપકડ કરી સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.
અમિત જેઠવા હત્યા કેસની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી શરૂ થતા અદાલતે કુલ ૧૯૨ જેટલા સાહેદની જુબાની લેતા ૧૫૫ જેટલા સાહેદો હોસ્ટાઇલ થયા હોવાથી ભીખાભાઇ જેઠવાએ ૨૭ સાહેદને રિકોલ કર્યા હતા તેમ છતા તેઓની ફરી જૂબાનીમાં પણ હોસ્ટાલઇલ થયા હતા. તે પૈકીનો એક રામા આઝા દિનુ બોઘાના ફાર્મ હાઉસમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું.
સીબીઆઇ કોર્ટમાં અમીત જેઠવા હત્યા કેસની સુનાવણી પુરી થતા પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણને તકસીરવાન ઠેરવ્યા હતા. તકસીરવાનને કેટલી સજા તે અંગે આગમી તા. ૧૧ જુલાઇએ જાહેર કરવામાં આવનાર છે.
આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા ૨૦૧૨માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. ૨૦૧૩માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.
સીબીઆઈના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરાવવા રજૂઆત કરી હતી જ્યારે બચાવપક્ષના વકીલે પૂર્વ સાંસદ દિનુ બોઘાની વધુ ઉંમર ઈ ગઈ હોવાી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.