- હળવદ પોલીસનો વધુ એક જુગારધામ ઉપર દરોડો
- સુસવાવ ગામે બોડલી નામની સીમમાં દરોડો પાડી જુગારની મિનિ ક્લબનો પર્દાફાશ
હળવદ પંથકમાં હાલ જુગારની મોસમ સોળે કળાએ ખીલી હોય ત્યારે હળવદ પોલીસ દ્વારા એક પછી એક મસમોટા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે, જેમાં હમણાં પાંચ દિવસ પહેલા હોટલ લેક્વ્યુના રૂમમાં ઘોડીપાસાના જુગારની મીનીકલબ ઉપર દરોડો પાડી 18 જુગારીઓને 2 લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જો કે તે દરોડામાં તો ભાજપ પાર્ટીના બે સક્રિય કાર્યકરોની અટક કરાઈ હતી જેથી તે બંનેને પક્ષ દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને હજુ એક ભાજપી કાર્યકર ફરાર પણ હતા તે બાબતે હાલ ભીનું સંકેલાય ગયું છે, ત્યારે તાજેતરમાં હળવદ પોલીસે વધુ એક પૂર્વ બાતમીને આધારે કરેલ જુગારના દરોડામાં વાડીની ઓરડીમાં ચાલતી જુગારની મીનીક્લબ ઝડપી લેવામાં આવી હતી, જેમાં જુગાર રમતા સાત જુગારીને રોકડા રૂપિયા 7,09,130/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે વાડી-માલીક આરોપી રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ સાથે અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલની સુસવાવ ગામની બોડલી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરી હતી. જેમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા સુરેશભાઇ જયંતિભાઇ પટેલ રહે.મોરબી અવની પાર્ક, હસમુખભાઇ વલમજીભાઇ પટેલ રહે.હળવદ ઉમિયાપાર્ક, જગમાલભાઇ રેવાભાઇ ભરવાડ રહે.મોરબી તાલુકાના જેતપર ગામે, અશ્વીનભાઈ રામજીભાઈ મોરડીયા રહે.મોરબી ગોકુલનગર રવાપર રોડ, જગદિશભાઇ ફુલજીભાઇ પટેલ રહે. મોરબી અવનીપાર્ક, સતિષભાઇ ધનજીભાઇ પટેલ રહે.મોરબી અવનીપાર્ક તથા મહેશભાઇ રણછોડભાઇ પટેલ રહે. હળવદ તાલુકાના રણજીતગઢ ગામવાળાને રોકડ રકમ રૂા.7,09,130/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન વાડી-માલીક આરોપી અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. હળવદ તાલુકાના ઇશ્ર્વરનગર ગામવાળા હાજર મળી ન આવેલ હોય જેથી હળવદ પોલીસે કુલ આઠ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ પીઆઇ આર.ટી.વ્યાસ તથા હેડ.કોન્સ. દિનેશભાઈ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઈ ભદ્રાડીયા તથા કોન્સ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ, મનોજભાઇ ગોપાલભાઈ પટેલ સહિતની પોલીસ ટીમ રોકાયેલ હતી.