‘સ્વતંત્ર્તાની વેંતરણી પાર’
સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમયથી જે કામ હાથ પર લેવાનું હતું અને સરકાર માટે અતિ આવશ્યક હતા તેવા કાયદાને બહાલીનું કામ ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. સ્વતંત્ર્તાની વેંતરણી પાર કરવા સરકારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં જ સાત ચાવીરૂપ ખરડાઓ પાસ કરીને દેશની દિશા અને દશા બદલનારા આ સાત કાયદા પસાર કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. દેશના લોકતાંત્રીક ઈતિહાસમાં મંગળવારનો દિવસ રાજ્યસભામાં સૌથી વધુ કામ અને પરિણામ મેળવવાનો દિવસ બની રહ્યો હતો. સાડા ત્રણ કલાકના ટૂંકાગાળામાં રાજ્યસભામાં સાત કાયદા પસાર કરવામાં આવ્યા હતા જેમાં ચાવીરૂપ કાયદામાં ડુંગળી, કઠોળ અને ધાનને આવશ્યક સેવાધારામાંથી દૂર કરાયા. બીજા મહત્વના કાયદામાં ઔદ્યોગીક વિવાદો અને તેના મામલે લગાવવામાં આવેલી પેનલ્ટી દૂર કરવાનો કાયદો ત્રણ મહત્વના ખરડાઓમાં આઈઆઈઆઈટીને સ્થાપિત કરવી, સહકારી બેંકો પર આરબીઆઈનું નિયંત્રણ અને નેશનલ ફોરેન્સીક આઈઆઈટીની સ્થાપનાનો ખરડો, રાષ્ટ્રીય રક્ષા અધિનિયમ અને કોરોના કટોકટી જેવી વિસંગત પરિસ્થિતિમાં જીએસટીના ચૂકવણા માટે સમય મર્યાદામાં વધારો કરવા સંબંધી ખરડાઓ પસાર કરવામાં આવ્યા હતા.
ગઈકાલની આ કામગીરીમાં વિપક્ષમાં તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને એનસીપીએ ૮ સાંસદોને બરતરફ કરવાના મુદ્દે ગૃહનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. ભાજપ અને તેના સહયોગી જેડીયુ, એઆઈડીએમકે, બીજેડી, વાયએસઆર,કોંગ્રેસ અને ટીડીપીએ મોદી સરકારને આ કાર્યવાહીમાં સમર્થન આપીને આ કાયદાઓની ચર્ચામાં ભાગ લીધો હતો. સરકારે રાજ્યસભામાં જે સાત મુસદાઓને બહાલી આપવામાં આવી હતી તેને દેશની દિશા અને દશા બદલનારા ગણવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં પેન્ડીંગ પડેલા મોટાભાગના મહત્વકાંક્ષી ખરડાઓને ઝડપથી કાયદાનું સ્વરૂપ આપવા કમરકસી છે. તેની સામે વિવિધ મુદ્દાઓને લઈને રાજકીય વિરોધ ઉભા થયા છે પરંતુ સરકારે મક્કમતાપૂર્વક કૃષિ બીલ, મજૂર કાયદાના સુધારા જેવા દેશ માટે અતિ આવશ્યક હોય તેવા વિધેયકો પસાર કરવા માટે આત્મ વિશ્ર્વાસથી કામ હાથ ધર્યું છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બીલ
ભારતમાં સ્થાનિક ધોરણે સુરક્ષાની વ્યવસ્થા વધુ સંગીન બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાંબા સમયથી કામગીરી ચાલે છે. ભારતમાં સુરક્ષા ક્ષેત્રે લોકો વધુમાં વધુ જોડાય અને રાષ્ટ્રીય સુરક્ષાની પરિસ્થિતિ સંગીન બને તે માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ધારાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ વૈશ્ર્વિક આતંકવાદ સામે બાથ ભીડવા ભારતની ભૂમિકાને અસરકારક બનાવવા માટે આંતરીક સુરક્ષાને સુદ્રઢ બનાવવાનો અભિગમ હાથ ધર્યો હતો અને પ્રારંભમાં મોસાદ જેવી ગુપ્તચર સંસ્થાથી સમગ્ર વિશ્ર્વમાં હરીફોને હંફાવતા ઈઝરાયલ સાથે રક્ષા ક્ષેત્ર હાથ મિલાવીને ભારતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપનાના પાયા નાખ્યા હતા. સરકારે ગઈકાલે રાજ્યસભામાં આ સપનું સાકાર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ધારા પસાર કર્યો છે.
જીએસટીની ચૂકવણીના સમયગાળામાં વધારા વિધેયક
દેશમાં અત્યારે કોરોના કટોકટી સહિતના પડકારોને લઈને ઉભી થયેલી પ્રતિકુળ અસરોમાં કરદાતાઓને રાહતરૂપ વાતાવરણ આપવા માટે સરકારે રાજ્યસભામાં ગઈકાલે પસાર કરેલા સાત મહત્વના ખરડાઓમાં જીએસટીના સમયગાળાની મહેતલ વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં ગઈકાલે ૧૦.૨૯ વાગ્યે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ૨૧૪ મિનિટ એટલે કે, સાડા ત્રણ કલાકમાં જ ૭ ખરડાઓને પસાર કરવાની કામગીરી પૂર્ણ કરી એક ઈતિહાસ સર્જયો હતો.
આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી ડુંગળી, કઠોળ, ધાનને મુક્તિ…
મંગળવારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં જ પસાર કરવામાં આવેલા સાત ચાવીરૂપ ખરડામાં દેશના આમ આદમીને સ્પર્શે તેવા કેટલાક કાયદાઓમાં આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી ધાન, કઠોળ અને ડુંગળીને બાદ રાખવાનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. તેની અસર આમ આદમીને વ્યાપક
પ્રમાણમાં થશે. આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી ડુંગળી, ધાન અને કઠોળને હટાવવાથી મુક્ત બજારમાં તેનો વેપાર-વ્યવહાર શકય બનશે. ખેડૂતોને પુરતા ભાવની સાથે સાથે નાના-મોટા વેપારીઓ પોતાની જરૂરીયાત મુજબનો જથ્થો સાચવી શકશે. અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં રિટેલ માર્કેટ અને કોર્પોરેટ જગતના કોમોડીટી મોલનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ સામેલ વસ્તુઓનો વપરાશ, ઉપયોગ અને વિનીમયની શકયતા હોવા છતાં નિશ્ર્ચિત મર્યાદામાં તેનો જથ્થો સાચવવાની જોગવાઈ છે. હવે ડુંગળી, ધાન અને કઠોળને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્ત કરવામાં આવતા જરૂર મુજબ તેનો સંગ્રહ વેપાર વિનીમય અને વ્યવહાર કરી શકાશે. જો કે, આ કાયદાના કેટલાક ભય સ્થાનો પણ રહેલા છે. મોટા વ્યવસાયકારો સમય અને સંજોગોને ધ્યાને લઈ આવી વસ્તુઓની સંગ્રહાખોરી અને કાળાબજારની શકયતા રહેલી છે. આ મુદ્દાને લઈને સરકારના પગલાનો કેટલાક અંશે રાજકીય વિરોધ ઉભો થયો છે.
દેશમાં આઈઆઈઆઈટીની સ્થાપના કરવાના કાયદાને બહાલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે અને અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનો મહત્વકાંક્ષી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે શિક્ષણની સુદ્રઢતા અને સંશોધન અને જ્ઞાનવર્ધક શિક્ષણ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આધુનિક વિશ્ર્વમાં હવે ઈન્ફોર્મેશન
ટેકનોલોજીનો ઉપયોગ હવે દિવસે-દિવસે વધતો જાય છે. ભારત પાસે પુરતી માનવશ્રમ શક્તિ પડેલી છે. હવે ભારતમાં કૌશલ્યવર્ધક ઉધમ અને બૌધ્ધિકતાના વિકાસની જરૂર છે ત્યારે સરકારે દેશમાં ઈન્ડિયન ઈન્સ્ટિયુશન ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી)ના નિર્માણને મહત્વ આપ્યું છે. અત્યારે ભારતનું બુદ્ધિધનનો ઉપયોગ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને સમગ્ર યુરોપમાં થાય છે. ત્યારે ભારતમાં પણ કૌશલ્યવર્ધક શિક્ષણને બહાલી આપવાની દિશામાં સરકારે મહત્વનું કદમ ઉઠાવ્યું છે. આઈઆઈઆઈટીની રચનાથી દેશમાં શિક્ષણ ક્ષેત્રને વધુ બૌદ્ધિકતા પ્રાપ્ત થશે અને ભારતમાં એજ્યુકેશન ટુરિઝમને બહાલી મળશે.
સહકારી બેંકોને આરબીઆઈના નિયંત્રણમાં રાખવાનો કાયદો
ભારતમાં બેન્કિંગ ક્ષેત્રને વધુ સુદ્રઢ અને વિશ્ર્વસનીય બનાવવા માટે સહકારી ક્ષેત્રને પણ નિયમોનુસાર સંચાલન કરવાની આવશ્યક પ્રાદેશીક અને ગ્રામ્યકક્ષાએ ચાલતી સહકારી બેંકો મંડળીઓમાં પ્રવર્તતા મામકાવાદ અને દલા તરવાડીની વાડીની જેમ લાભના લાડવા જમવાથી ઉભા થતાં ભ્રષ્ટાચારને નિયંત્રીતમાં લેવા માટે
સરકારે સહકારી બેંકોને આરબીઆઈના નિયંત્રણમાં લેવાનો કાયદો કર્યો છે જેનાથી સહકારી ક્ષેત્રનો ભ્રષ્ટાચાર અને પદાધિકારીઓની મનસુફીથી સહકારી ક્ષેત્ર પર કાયમી ધોરણે લટકતી જોખમની મોટી તલવાર દૂર થશે.
ઔદ્યોગીક વિવાદોમાં લાગતી પેનલ્ટી દૂર કરવામાં આવી
ભારતમાં ઔદ્યોગીક વિકાસ અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઉદ્યોગ જગતને વ્યાપક છુટછાટની આવશ્યકતાને લઈને સરકારે ઔદ્યોગીક વિવાદો અને શરત ચૂક પર લગાવવામાં આવતી પેનલ્ટીને હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ અભિગમથી લાંબા સમયથી લટકી રહેલા કાનૂની વિવાદો અને પેનલ્ટી વસુલવાની પ્રક્રિયાનો અંત આવશે.
રાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ વિશ્ર્વ વિદ્યાપીઠ બીલ
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં લોકતંત્રની સુદ્રઢતાની સાથો સાથ આધુનિક વિશ્ર્વમાં કદમથી કદમ મિલાવવા માટે સુરક્ષા ક્ષેત્રે પણ સંગીન વ્યવસ્થાની જરૂર છે. સરકારે રક્ષા યુનિવર્સિટીની રચના સાથે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ધારા લાવીને ફોરેન્સીક વિજ્ઞાનના અભ્યાસના
નવા દ્વાર ખોલ્યા છે. અત્યાર સુધી કેટલીક તપાસ અને પુથકરણ માટે ભારતે અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલમાં કાર્યરત ફોરેન્સીક વ્યવસ્થાપનની સહાય લેવી પડતી હતી. હવે ભારતમાં ફોરેન્સીક સાયન્સના વિદ્યાઅભ્યાસને વિસ્તૃત કરવા માટે ફોરેન્સીક સાયન્સ બીલને બહાલી આપવામાં આવી છે. જેનાથી ફોરેન્સીક ક્ષેત્ર અને ખાસ કરીને પોલીસ તંત્રની તપાસમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત થશે.
મજૂર કાયદા સુધારાનો વ્યાપક વિરોધ, વિરોધનું કારણ શું?, કોને ફાયદો અને કોને લાગે છે ગેરફાયદાનો ડર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં એકપછી એક હાથ ધરેલા મહત્વના કાયદાઓ ઘડવાની પ્રક્રિયામાં એક સાથે ત્રણ કૃષિ વિધેયકની સાથે સાથે મજૂર કાયદાના સુધારાની પ્રક્રિયા હાથ ધરી છે. તેની સામે પણ મજૂર સંગઠનોએ વિરોધનો સુર ઉઠાવ્યો છે. ૧૦ જેટલા ટ્રેડ યુનિયનોએ બુધવારે રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન કરીને મજૂર કાયદામાં ફેરફાર અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણ અને કેટલાક ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સરકાર સામે વિરોધમાં ઉતરનાર પક્ષોમાં એઆઈટીયુસી જેવા દસેક જેટલા સંગઠનોએ વિરોધ કર્યો છે. આ સંગઠનોના મતે આ કાયદાઓ મજૂર વિરોધી ગણાવાયા છે. મજૂર કાયદાના સુધારાની સમીક્ષા કરવામાં આવે તો દેશમાં હવે જ્યારે ઔદ્યોગીક વિકાસ વિશ્ર્વકક્ષાએ આગળ વધી રહ્યો છે ત્યારે ઉદ્યોગો અને સેવાક્ષેત્રમાં
કાર્યરત લોકો મજૂરો પાસેથી યોગ્ય રીતે કામ લઈ શકે તે માટે કાયદામાં ફેરફાર જરૂરી હતી. નવા કાયદાની જોગવાઈમાં મજૂરોની વારંવારની હડતાલ પર નિયંત્રણ આવશે. વેતન મુજબ નક્કી કરાયેલા કામની સમય મર્યાદામાં કામ કરવાનું રહેશે. સંગઠનનો દૂરઉપયોગ કરીને કામના અવરોધો અને ઉત્પાદનોને હાની પહોંચાડવા ગેરકાનૂની ગણવામાં આવશે. મજૂરોની સ્વાયતતાના નામે ઉદ્યોગ જુથો પર યુનિયનોની મનમાની નહીં ચાલે તેની સામે મજૂરોના મુળભૂત માનવ અધિકારો, આરોગ્ય સુરક્ષા અને કામના સમયમર્યાદા જેવા લાભો પણ મળશે. મજૂર સુધારા કાયદાને લઈને ભારતમાં ઉદ્યોગ જગતને પોતાની કામગીરી કરવામાં સરળતા રહેશે. આ કાયદા મુજબના અમલથી ભારત વિશ્ર્વના એવા ટોચના ૧૦ દેશોમાં સામેલ થઈ જશે તેમાં ઉદ્યોગીક પ્રવૃતિ અને ધંધો કરવો વધુ સુરક્ષીત માનવામાં આવે છે. મજૂર કાયદાના આ સુધારાને લઈને ભારતમાં વિદેશી મુડી રોકાણ અને ઔદ્યોગીક ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના માહોલ ઉભો થશે તેમ સરકારે દાવો કર્યો છે.
આવશ્યક ચીજવસ્તુ ધારા સુધારા મુદ્દે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક
ગાંધીનગરમાં આજે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબીનેટની બેઠકમાં આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી અનાજ, દાળ, તેલીબીયા, ખાદ્યતેલ, ડુંગળી, બટેટાને બાકાત રાખવાના નિર્ણયના અમલ અને સ્ટોક લીમીટની પ્રથાનો અંત લાવવાના કાયદાના
અમલ અને તેની અસરોની સમીક્ષા કરવા માટે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળશે. ગુજરાતમાં અત્યારે ડુંગળી, બટેટા, ખાદ્યતેલ અને કઠોળની વધતી જતી કિંમત અને માંગની પરિસ્થિતિમાં આ વિધેયકની પ્રતિકુળ અસરો ન પડે અને આમ આદમીથી લઈને વેપારી અને ખેડૂતોના સર્વહિતમાં વાતાવરણ સર્જાય તે માટે સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવશ્યક ચીજવસ્તુ ધારા નિયંત્રણમાંથી મહત્વની વસ્તુઓને બાકાત કરવાના સરકારના નિર્ણયને સમયની માંગ ગણાવી હતી.