સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલનો મહત્વનો ચુકાદો: પોટા કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવ્યા બાદ લાંબા કાનૂની જંગનો અંત
પોટા કોર્ટે તમામ આરોપીઓને કરેલી સજાના હુકમ સામે હાઇકોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી મુકતા સરકારે સુપ્રીમ કોર્ટમાં હુકમને પડકાર્યો હતો
રાજયના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયાની ૧૬ વર્ષ પૂર્વે થયેલી હત્યા કેસની સુપ્રિમ કોર્ટમાં થયેલી અપીલની સુનાવણી પુરી થતા લાંબા કાનૂની જંગના અંતે દેશની વડી અદાલતે સાત આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયા તા.૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે વોકીંગમાં નીકળ્યા હતા ત્યારે તેમના પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી સરા જાહેર હત્યા કરી હતી. હત્યા કેસનો પોલીસ દ્વારા ભેદ ઉકેલી ખૂનના ગુનામાં ૧૨ જેટલા શખ્સોની ધરપકડ કરી તેની સામે હત્યા ઉપરાંત હત્યાનું કાવતરૂ, આર્મ્સ એકટ, આંતકવાદ વિરોધ ધારા (પોટા) મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ અંગે કેટલાક પ્રશ્ર્નો ઉપસ્થિત થતા સમગ્ર તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ પુરી કરી પોટા કોર્ટમાં ૧૨ શખ્સો સામે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. સ્પેશ્યલ અદાલતે આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવતા આરોપીઓએ સ્પેશ્યલ અદાલતના ચુકાદાથી નારાજ થઇ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેની સુનાવણી પુરી થતા ૨૯-૮-૨૦૧૧ના રોજ હાઇકોર્ટ દ્વારા સીબીઆઇ તપાસની દિશા સ્પષ્ટ ન હોવાનું ઠરાવી પોટા કોર્ટના નિર્ણયને રદ કરી તમામ આરોપીઓને બરતરફ કર્યા હતા.
હાઇકોર્ટના હુકમ સામે સરકાર અને સીબીઆઇ દ્વારા ૨૦૧૨ના રોજ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. તા.૩૧ જાન્યુઆરીના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. હરેન પંડયા હત્યા કેસ અંગે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ થયાના સાત વર્ષ સુધી લાંબા ચાલેલા કાનૂની જંગનો દેશની વડી અદાલતના ન્યાયમૂર્તિ દ્વાર ચુકાદો જાહેર કરી સાત શખ્સોને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હાઇકોર્ટના ચુકાદને રદ કર્યો છે.