કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરીયાતમદો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં આવી રહી છે. પ્રભાસ-પાટણ રામ રોટી મંડળ દ્રારા દરરોજ સાંજે જરૂરીયાતમંદ ૪૦૦ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે.
નિશૂલ્ક આપેલ પરજીયા સોની મહાજન વાડી પ્રભાસ-પાટણ ખાતે તા.૨૩ માર્ચથી જરૂરીયાતમંદોને ભોજન આપવામા માટે રસોડુ કાર્યરત કરવામાં આવ્યું છે. છેલ્લા ૪૦ દિવસથી દરરોજ સાંજે ૬૦ કિ.ગ્રા.શાક, ૨૬ કિ.ગ્રા.લોટ, ૧૫ કિ.ગ્રા.ભાત, સંભારો, વેજ પુલાવ, કઢી-ખિચડી, અડદદાળ, બટેટા પૈવા સહિત જુદી-જુદી વાનગી બનાવી સોમનાથ જુના મંદિરથી ગીતા મંદિર, પરપ્રાંતિઓ અને હિરણનદીથી બાયપાસ તેમજ વણજારાવાસ, ભાલકા સહિતના વિસ્તારમાં જરૂરીયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાભાવી યુવાનોની કુલ ૫ ટીમ બનાવી ભોજન આપવામાં આવી રહ્યું છે.
બાયપાસ પાસે હોટલમાં અગાઉ રસોયા તરીકે ફરજ બજાવતા રાજસ્થાની રસોયા વિનોદ કુમાર મેનસન દ્રારા ખુબ સારી રસોઈ બનાવવામાં આવી રહી છે. રોટલા અને રોટલીનો લોટ બાંધી આજુબાજુના લોકોને આપવામાં આવે છે. પડોશીઓ તેમના ઘરે રોટલા-રોટલી તૈયાર કરી આપી જાય છે. શાંતિનગર અને ભરડાપોળ વિસ્તારની ૧૫ થી ૨૦ ઘરની બહેનો સેવાકાર્યમાં જોડાય છે. દાતાશ્રીઓના સહયોગથી આ સેવાયજ્ઞ કાર્યરત છે. અને લોકડાઉન જ્યાં અમલમાં રહેશે ત્યાં સુધી ભોજન વિતરણની સેવાકાર્ય ચાલુ રાખવામાં આવશે.
નગરપાલીકાના પુર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાની, મયુરભાઈ વાજા, મુકેશભાઈ, વિકાસભાઈ ધકાણ, રામભાઇ, ઉપેનભાઈ જેઠવા, દિનેશભાઈ વાજા તેના પુરા પરિવાર સાથે સહિતના સેવાભાવી લોકો સેવા કરી રહ્યા છે. સેવાભાવી લોકો સામાજીક અંતર, ગ્લોઝ અને માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે.