‘તરણા ઓથે ડુંગર…’, અજાણ્યા અને આંધણા બંને સરખા, ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે પરંતુ છેવાડાના નાગરિકો પોતાના જ હિતની યોજનાઓ સરકારી સહાય અંગે જાણકાર ન હોવાથી મોટાભાગના લોકો કલ્યાણકારી યોજનાઓથી વંચીત રહે છે અથવા તો લાભ લેવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કંટાળી જાય છે.
આવી પરિસ્થિતિની સમસ્યાના જડમૂલમાંથી ઉકેલ કરવા ગુજરાત સરકારે-2016માં માત્ર વહીવટી જ નહીં રાજકીય અને સામાજીક ધોરણે ક્રાંતિકારી કહી શકાય તેવો એક રસ્તો શોધી કાઢ્યો. 2016માં પ્રથમ તબક્કામાં ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના ઓછી જાણકારી ધરાવતાં નાગરિકોની સમસ્યાનું સમાધાન કરવા સેવાસેતુ કાર્યક્રમ ગુજરાતનો પ્રારંભ કર્યો. સંવેદનશીલ અને કોમન મેનની છાપ ધરાવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમાજની નાડ પારખીને સરકારી યોજનાની ખરી ફળશ્રૃતિ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુના આ કાર્યક્રમથી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સરકારી યોજનાઓની જાણકારી, તેનો લાભ લેવાની પધ્ધતિ, અરજીથી લઇ વહીવટી પ્રક્રિયાની જાણકારી માટે સેવાસેતુની શરૂઆત 6 નવેમ્બર, 2016થી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધી 5 તબક્કાના સેવાસેતુ થકી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની સમસ્યાનું નિવારણ કરવાનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામિણ અને શહેરી લોકોને સરકારી યોજનાઓ અને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય તેની માહિતગાર કરી સરકારી યોજનાઓ માટે જરૂરી આવકનો દાખલો, આધાર કાર્ડ, જ્ઞાતિ પ્રમાણપત્ર ઉપર ચુંટણી ઓળખપત્ર, વ્યવસાયિક પુરાવાઓ, લેન્ડ સર્વે રિપોર્ટ, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, વિધવા સહાયના દસ્તાવેજ, શીશુ સુરક્ષા, જનની સુરક્ષા, બાળ વિકાસ યોજનાના અરજીઓ કેવી રીતે કરવી જેવી માહિતી સેવાસેતુમાં આપીને લોકોને વધુને વધુ સરકારી યોજનાઓનો લાભ લેતાં કરવામાં આવ્યા છે.
સેવાસેતુ ખરેખર નાગરિકોની સહાય કરવા માટેનું ઉત્તમ મંચ બની રહ્યું છે. ગુજરાત સરકારના સેવાસેતુના કાર્યક્રમથી માત્ર નાગરિકોમાં સરકારી યોજનાઓ પ્રત્યેની જાગૃતિ અને યોજનાની ફળશ્રૃતિનો ગ્રાફ ઉંચો આવ્યો એવું નથી સરકારી વહીવટી તંત્ર અને ખાસ કરીને મહેસૂલ વિભાગ પણ નાગરિકોની સેવા માટે સંતર્ક બન્યા છે. સરકારી કામ થતાં નથી તેનું મેણું ભંગાયું છે. આમ સેવાસેતુ ખરા અર્થમાં નાગરિકોના મૂળભૂત અધિકારી અને સરકારી યોજનાઓનો લાભ આપવાનો એક આદર્શ માધ્યમ બની રહ્યું છે જેનો સંપૂર્ણ યશ ગુજરાતની સંવેદનશીલ સરકારને જ આપવો રહ્યો.