અંકલેશ્વર: રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને ઘર આંગણે હલ કરવાના હેતુ સાથે પ્રજાની લાગણી- માંગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે જિલ્લાના વિવિધ ગામોમાં તથા નગરપાલિકાના વિવિધ સ્થળોએ સેવા સેતુના કાર્યક્રમો યોજાયો હતો. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અંદાડા ગામ ખાતે તાલુકા કક્ષાના 10માં તબક્કાના ત્રીજા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં 21 ગામના ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો અને આયુષ્યમાન કાર્ડ, ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડા નો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજના ઓ થી વંચિતના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અંદાડા ગામની ગ્રામપંચાયત કચેરી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના દશમાં તબક્કાના ત્રીજા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર અને અન્ય પદાધિકારીઓ તેમજ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા સેતુના કાર્યક્રમમાં એકજ સ્થળે 13 વિભાગોની 55 જેટલી સેવાઓનો લાભ મેળવી શકાશે. સેવાસેતુમાં સવારે 9.00 થી સાંજે 5.00 વાગ્યા દરમિયાન વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAYમાં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી એવી 55 જેટલી સેવાઓના લાભો આપવામાં આવ્યા હતા.