સુરત: નાગરિકોને યોજનાકીય લાઆભો એક છત્ર નીચે મળે અને વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમરૂપી મહાઅભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષસ્થાને વસ્તા દેવડી, કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા હતા. કુલ 2149 લાભાર્થીઓએ યોજનાકીય લાભો મેળવ્યા હતા. જેમાં આવકનાં દાખલા, નોન ક્રીમિલિયર, સિનિયર સિટીઝન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય અને રેશન કાર્ડના 1008 લાભાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે, ગામ હોય કે શહેરીજનો હોય, કોઈએ પણ સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકાર જાતે લોકોના ઘરઆંગણે જઈ તેમના પ્રશ્નો-સમસ્યાના નિરાકરણ માટેની સંવેદના સેવા સેતુ થકી દાખવી છે. જેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકો અને લાભો હાથોહાથ આપવાની આ સરકારે પહેલ કરી છે, એ જ રીતે નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતી કરાવી છે.
આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે સામાન્ય માનવીને પણ સરકાર તેમની સાથે છે એની સતત પ્રતીતિ કરાવતા સેવા સેતુમાં સરકારના વિવિધ વિભાગોના અંદાજીત ૫૫ પ્રકારના કામો કરાવી શકાય છે, અને વ્યક્તિગત યોજનાઓના લાભો મેળવવાની અરજીઓ આપી શકાય છે. આ વેળાએ મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો, વ્યક્તિગત યોજનાકીય લાભોનું હાથોહાથ વિતરણ કરાયું હતું. નોંધનીય છે કે, અરજીઓ સાથે જોડવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવી પડે એ માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો/ મેયર, ધારાસભ્યના દાખલા આપવાની તેમજ નોટરી, રેવન્યુ સ્ટેમ્પ, કોર્ટ ટિકિટ્સ, ઝેરોક્ષની પણ વ્યવસ્થા સેવા સેતુમાં કરવામાં આવી હતી.
સેવા સેતુમાં આવક, જાતિના દાખલાઓ, રાશન કાર્ડને લગતી અરજીઓ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડને લગતી અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના, મનપાની સેવાઓ, નવા આધાર અને અપડેટ સેવા, યુ.સી ડી., મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓના વ્યકિતલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણ ઘોઘારી, કાંતિ બલર, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, દંડક ધર્મેશ વાણીયાવાલા, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.