રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી લોકો આ સેવાનો લાભ લે છે: ગૃપ સાથે જોડાયેલા 50 થી 60 સભ્યોની નિ:સ્વાર્થપણે સેવા: દર મહિને 100થી 125 કિટ અપાય છે જેની પાછળ 20 થી 22 હજારનો ખર્ચ થાય છે
આખી જિંદગી અનેક જવાબદારીઓ વહન કરતાં-કરતાં વ્યક્તિ જ્યારે મોતને ભેટે છે ત્યારે મૃત્યુ પણ સુધરવું જોઇએ. નાની-મોટી કોઇપણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના વિધિપૂર્ણ અંતિમ સંસ્કાર થાય તે માટે મહાદેવ ગૃપ અનન્ય સેવા કરી રહ્યું છે. શહેરભરમાં કે આસપાસ કોઇપણ વિસ્તારમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મહાદેવ ગૃપ નિહારનો સામાન એકપણ રૂપિયો લીધા વગર આપી સમાજ માટે ખૂબ સરાહનીય સેવા કરી રહ્યું છે.
મહાદેવ ગૃપ છેલ્લા 11 વર્ષથી વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે નિહારનો સામાન નિ:શૂલ્ક આપી સ્વર્ગસ્થના પરિવારજનોને ફૂલ નહિં તો ફૂલની પાંખડીરૂપે મદદરૂપ બને છે આ ગૃપમાં 50 થી 60 સભ્યો જોડાયેલાં છે. જેઓ નિ:સ્વાર્થપણે સેવાકરી રહ્યાં છે.
મહાદેવ ગૃપ રૈયા રોડ ખાતે કાર્યરત છે. આ ગૃપ દ્વારા કોરોના કાળમાં એપ્રિલ માસમાં 650 અને મેં માસમાં 326 જેટલી નિહારની કીટ અપાઇ હતી. કોરોના અગાઉ દર મહિને 100થી 125 જેવી કીટ લોકોને પૂરી પડાતી હતી અને કોરોનામાં આ આંકડો વધ્યો હતો. સરેરાશ દર વર્ષે ગૃપ દ્વારા 1100 થી 1200 કીટ વિનામૂલ્યે અપાઇ છે. નિહારના સામાનમાં 15 વસ્તુઓ સામેલ કરાઇ છે. જેમાં ગંગાજળથી લઇ છાણા સુધીની વસ્તુ અપાઇ છે. આ ઉપરાંત 4 નારિયેળ, અબીલ-ગુલાલ, જવ-તલ, સુખડ, જેડી, સુતર, 5 મીટર સફેદ લાલ સીદરી, દોણી, ખડ, ચુંદડી, મીંઢોળ, જનોઇ વગેરે અપાઇ છે.
સેવાભાવી યુવાનો જ્યાં મરણ થયું તેને અડધી રાતે પણ મદદ કરવા નિહારનો સામાન પૂરો પાડે છે. વિનુભાઇ પંડ્યા, રૂસ્તમભાઇ સૈયદ, વિનુભાઇ ઉપાધ્યાયના નેજા હેઠળ ટીમ જહેમત ઉઠાવે છે. આ સેવા માટે દર મહિને 20 થી 22 હજારનો ખર્ચ થાય છે. જે સભ્યો, દાતાઓ પાસેથી મળી રહે છે. આ સેવામાં કોઇપણ વસ્તુનું દાન દાતા આપી શકે છે. આ ગૃપની વિશેષતા એ છે કે હિન્દુ-મુસ્લિમ ભાઇઓ સાથે મળી સમાજની અનન્ય સેવા કરી રહ્યાં છે. લોકો તેની આ પ્રવૃતિને બિરદાવી રહ્યાં છે અને સહયોગ પણ આપી રહ્યાં છે. નિહારનો સામાન મેળવવા કોઇપણ વ્યક્તિ માત્ર (મો. નં. 90675 73130) અથવા (મો.નં. 94271 54188) પર એકવાર સંપર્ક કરી ચોવીસ કલાક સેવાનો લાભ લઇ શકે છે.