૧૧૧૩૩ કેસો પૈકી ૪૯૧૨ કેસનો નિકાલ: અકસ્માત અને ચેક રિટર્ન કેસમાં ૧૨.૩૩ કરોડનું વળતર ચૂકવાયું
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી રાષ્ટ્રભરમાં મેગા લોક અદાલતનું રાજય કાનૂની અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ શહેર અને જિલ્લા મથકે યોજાયેલી લોક અદાલતમાં ૧૧૧૩૩ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૪૯૧૨ કેસોનો સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં અકસ્માત અને ચેક રીટર્ન કેસમાં રૂ.૧૨.૩૩ કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
શહેરના સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં યોજાયેલી મેગા લોક અદાલતને પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીએ દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલી મુકી હતી. આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી જીગ્નેશ જોશી, એમ.એસ.સીપી બારના પ્રમુખ, કે.જે.ત્રિવેદી અને સીનીયર, જુનીયર એડવોકેટો તેમજ જજીસો ઉપસ્થિત રહ્યાં હતા.
આજે યોજાયેલી લોક અદાલતમાં દાખલ થયેલ અને અદાલતમાં દાખલ થાય તે પહેલા પ્રિલીટીગેશનના કેસો જેમાં ફોજદારી, નેગોશીએબલ, બેંક લેણા, અકસ્માત વળતર, લગ્ન વિષયક, મજૂર અદાલત, જમીન સંપાદન, ઈલેકટ્રીક સીટી અને પાણીના બીલો અને દિવાની પ્રકારના મળી કુલ ૧૧૧૩૩ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.
યોજાયેલી લોક અદાલતમાં ૪૯૧૨ કેસોમાં ૧૫૪ અકસ્માત વળતર, ચેક રિટર્નના ૧૯૮૪ અને લગ્ન વિષયક તકરારના ૧૮૮ કેસોનું સમાધાન રાહે નિકાલ કરવામાં આવયો હતો જયારે ચેક રિર્ટન અને અકસ્માત વળતરમાં રૂ.૧૨.૩૩ કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. યોજાયેલી લોક અદાલતમાં પક્ષકારો તરફથી સારો પ્રતિસાદ મળેલો અને મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલો છે જેથી ભવિષ્યમાં પક્ષકારો સક્રિય ભાગ લે તેમ કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ.વી.જોટાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.