• વેપારી એસોસિએશન પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયું
  • બેડી માર્કેટીંગ યાર્ડની પેઢી સાથે થયેલી છેતરપિંડીનો મામલો

બેડી માર્કેટીંગ યાર્ડની કમિશન એજન્ટ પેઢી જલિયાણ એગ્રીમાંથી રૂ. 43.28 લાખની કિંમતનો 35 ટન તલનો જથ્થો ટ્રકમાં લોડ કરી રાજસ્થાનના જયપુર ખાતે ડિલિવરી આપવા નીકળેલો ડ્રાયવર રસ્તામાંથી ફરાર થઇ ગયો હતો. જે બાદ રાજસ્થાની ડ્રાયવરનો ટ્રક મળી આવ્યો હતો પણ ડ્રાયવર રોહિતસીંગની અને તલના જથ્થાની ભાળ મળી ન હતી. જેથી આ ડ્રાયવરને તાત્કાલિક પકડી પાડી તલનો જથ્થો રિકવર કરવા વેપારી એસોસિએશન પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર બેડી માર્કેટીંગ યાર્ડમાં આવેલી જલિયાણ એગ્રી નામની કમિશન એજન્ટ પેઢીના કર્મચારી જયદીપભાઈ કોટેચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 9 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીને તેમના શેઠ વિવેકભાઇએ જણાવેલ કે, જયપુર, રાજસ્થાન ખાતે આવેલ યશ ઇન્ડસ્ટ્રી ખાતે તલ મોકલવાના છે. જેના માટે નવાગામ આણંદપર રૂડા ટ્રાન્સપોર્ટ ખાતે આવેલ ત્રીમુર્તી ટ્રાન્સપોર્ટના માલીક નારણલાલ બાતારામ એક ગાડી મોકલવાના છે. તે જ દિવસે સાંજે પાંચેક વાગ્યે ટ્રક ડ્રાયવર રોહીતસિંગ હરજીસિંગ રહે.ખેશ જેશા ગામ, જી.રાજસંમદ, રાજસ્થાનવાળો પોતાનો ટ્રક નંબર આરજે-30-જીએ-7374 લઈને બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ હતો અને ત્રીમુર્તી ટ્રાન્સપોર્ટના માલીકે અહીં મોકલેલ છે તેવું જણાવેલ હતું. આ ગાડીમાં 35 ટન તલ જેની કિંમત રૂ.43,28,363ના તલ ભરીને રાત્રીના 10:30 વાગ્યે જયપુર જવા ટ્રક રવાના થયો હતો. બે દિવસમાં પહોંચી જતો ટ્રક ચાર દિવસે પણ નહિ પહોંચતા ડ્રાયવરને વારંવાર ફોન કરતા તેનો નંબર સ્વીચ ઓફ આવતો હતો. જે બાદ પેઢી માલિક વિવેકભાઈ ગાડી અને ડ્રાયવરની શોધખોળ કરવા રાજસ્થાન તરફ ઉપડ્યા હતા.

દરમિયાન વિવેક ગણાત્રાને ટ્રક કુંભલગઢ, જી. રાજસમદ, રાજસ્થાન ખાતેથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો પણ ડ્રાયવર મળી આવ્યો ન હતો. જેથી સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકમાં ડ્રાયવર રોહિતસીંગ વિરુદ્ધ રૂ. 43.28 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ મામલે માર્કેટીંગ યાર્ડના ડિરેકટર અતુલ કમાણી સહિતના વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયાં હતા. તેમણે અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાને રજુઆત કરી હતી કે, તાત્કાલિક ડ્રાયવરની ધરપકડ કરી તલનો જથ્થો રિકવર કરવામાં આવે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.