એક તરફ વાયરસ તો બીજી વાવાઝોડું…. વાયરસ અને વાવાઝોડાના એકીસાથેના તોફાને તંત્રને દોડતું કરી દીધું છે. હજુ કોરોના મહામારી સમી નથી ત્યાં તાઉતે વાવાઝોડું ત્રાટકતાં કેન્દ્ર સહિત પશ્ચિમ ઘાટના રાજ્યોની સરકારોને દોડતી કરી દીધી છે. કોરોના મહામારીને કારણે મસમોટું આર્થિક નુકસાન થયું છે ત્યાં હવે આ તાઉતેએ મોટું નુકસાન પહોંચાડયું છે. ત્યારે આજરોજ માદરેવતન ગુજરાતની મુલાકાત લઈ વાવાઝોડાથી થયેલા નુકસાનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ તાગ મેળવી અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના સચિવ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકારે ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે. વાવાઝોડાને કારણે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય કરવાની મોટી જાહેરાત કરી છે.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો આવતી રહેશે. સરકાર શક્ય તમામ સહાય માટે તત્પર છે. ઉલ્લેખનીય છે કે ઉનાથી પ્રવેશેલા તાઉતે વાવાઝોડાએ રાજ્યભરમાં તારાજી સર્જી દીધી છે. ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો, જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકનો સોથ વળી ગયો. જગતાત ગણાતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

Screenshot 2 18

વાવાઝોડાને લીધે રાજ્યમાં 45 જેટલા લોકોના મોત થયાની આશંકા છે. તો 50 હજાર જેટલા વીજપોલ પડી ભાંગ્યા છે. ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવ્યા છે.

mr

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. પ્રધાનમંત્રી દિલ્લીથી ભાવનગર પહોંચ્યા હતા. અને બાદમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈન નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કર્યુ હતું.  પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.