- અસીલોના દિશા નિર્દેશ પર વકીલોની કાર્યપ્રણાલી નિર્ભર હોવાનું સુપ્રીમનું તારણ
ગ્રાહક સુરક્ષા કાયદો વકીલોને લાગુ થઈ શકે છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વકીલોનો વ્યવસાય અનન્ય છે, તેથી સેવાઓમાં ઉણપ માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.વકીલોનો વ્યવસાય અનન્ય છે, તેવું અવલોકન કરી એ સેવાઓના અભાવ માટે વકીલોને જવાબદાર ઠેરવ્યા નથી. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ’વકીલોને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સેવાની વ્યાખ્યાથી બહાર રાખવામાં આવશે. કોર્ટે એનસીડીઆરસીના 2007ના નિર્ણય સામે અપીલ કરવાની મંજૂરી આપી છે, જેમાં કહ્યું હતું કે વકીલોની સેવાઓ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા કહ્યું હતું કે સેવામાં ખામી માટે વકીલો પર ગ્રાહક અદાલતમાં કેસ કરી શકાય નહીં. વકીલો ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં આવતા નથી. આ સાથે, સર્વોચ્ચ અદાલતે ઉપભોકતા પંચના 2007ના નિર્ણયને રદ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો વકીલો ગ્રાહકના અધિકારોને ધ્યાનમાં રાખીને યોગ્ય સેવા પૂરી પાડતા નથી, તો તેમને ગ્રાહક અદાલતમાં લાવી શકાય છે. કોર્ટે કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિ. વી.પી. શાંતા કેસમાં તેના 1995ના ચુકાદા પર પુનર્વિચાર કરવાની પણ જર છે, જેમાં ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ડોકટરોને આવરી લેવામાં આવ્યા હતા.
સીજેઆઇને આ મામલો મોટી બેંચને સોંપવાની વિનંતી કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી અને પંકજ મિત્તલની બેન્ચે એક અપીલ પર ચુકાદો આપ્યો હતો જેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું વકીલોને સેવાઓમાં ખામી માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જવાબદાર ગણી શકાય. સુનાવણી બાદ બેન્ચે 26 ફેબ્રુઆરીના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદામાં બેન્ચે કહ્યું હતું કે વકીલો દ્રારા આપવામાં આવતી સેવા અલગ પ્રકારની હોય છે. તેમને ગ્રાહક સુરક્ષા કાયદાથી દૂર રાખવા જોઈએ. ક્ધયુમર કમિશનના 2007ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે વકીલોની સેવાઓ પણ કલમ 2(1) હેઠળ આવે છે, તેથી તેઓ ગ્રાહક કોર્ટમાં દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2009માં આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ક્ધયુમર પ્રોટેકશન એકટ 1986નો મૂળ ઉદ્દેશ્ય અને ધ્યેય ઉપભોકતાને અયોગ્ય વેપાર પ્રથાઓ અને અનૈતિક વ્યાપારી પ્રથાઓથી રક્ષણ પૂરો પાડવાનો હતો. એવું કહી શકાય નહીં કે ધારાસભાનો હેતુ કોઇપણ વ્યવસાય અથવા વ્યાવસાયિકને કાયદાના દાયરામાં લાવવાનો હતો. સમાધાન એ વકીલ અને કલાયન્ટ વચ્ચે ખાનગી કરારની સેવાનો એક પ્રકાર છે. જો આ સેવામાં કોઈ ખામી હોય તો વકીલને ગ્રાહક અદાલતમાં ખેંચી ન શકાય.
વકીલ અને અસીલ વચ્ચેનો સંબંધ વેપારી અને ગ્રાહકનો નથી: પિયુષભાઇ શાહ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વકીલો તેમના અસીલ કેસ સંપૂર્ણ નિષ્ઠા સાથે લડતા જ હોય છે પણ ચુકાદો જો તેમના તરફેણમાં ન આવે તો ઘણીવાર આ પ્રકારના વિવાદ ઉભા થતાં હોય છે પણ કોઈ જ વકીલ ચુકાદો આપણી જ તરફેણમાં આવશે તેવું વચન આપતો નથી જેથી આ બાબતે વકીલ પર કોઈ કેસ કરી શકાય નહિ ત્યારે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે તે ખુબ જ આવકારદાયક છે અને આ ચુકાદો રાજ્યથી માંડી દેશના તમામ વકીલો માટે રાહત સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે, વકીલ અને અસીલ વચ્ચેનો સંબંધ વેપારી અને ગ્રાહકનો નથી તેથી આ મામલો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ આવતો નથી.
કોર્ટ કેસની પ્રક્રિયામાં વકીલને સેવાની કસૂર માટે વકીલને જવાબદાર ઠેરવી શકાય નહિ: અર્જુનભાઈ પટેલ
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ચુકાદો ખુબ લંબાણપૂર્વકનો અને કનઝ્યુમર પ્રોટેકશ એક્ટ 2019ની કલમ 2(42)માં જણાવેલ સેવાની વ્યાખ્યા સંદર્ભમાં આપવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દેશના વકીલો માટે આવકારદાયક અને આવશ્યક ચુકાદો છે. કારણ કે, વકીલાતએ વ્યવસાય નથી પરંતુ પ્રોફેશન છે અને પ્રોફેશનમાં સેવાનું મહત્વ છે. વકીલ હંમેશા પોતાના અસીલની સૂચના પ્રમાણે કાર્ય કરતો હોય છે અને તેમાં તેનો કોઈ સ્વાર્થ કે વ્યક્તિગત હિત હોતો નથી. વકીલ અને અસીલ વચ્ચે વકીલાતનામાથી સેવાનો કરાર અસ્તિત્વમાં આવે છે અને તે કરારથી સ્પષ્ટ થાય છે કે, વકીલ તેમના અસીલની ઈચ્છા – સંમતિ અને લેખિત જાણ સિવાય કોઈ કાર્ય કરી શકતો નથી. આમ જયારે સંપૂર્ણપણે અસીલની સૂચના મુજબ જ વકીલ દ્વારા કાર્ય કરવામાં આવતું હોય ત્યારે વકીલનો કોઈ કસૂર છે તેવું કહી શકાય નહિ અને માની પણ શકાય નહિ. અસીલનો કેસ વકીલ લડે ત્યારે અસીલની સીધી જવાબદારી છે કે, પોતાના કેસથી અસીલ માહિતગાર રહે અને પોતાના કેસની સંપૂર્ણ જાણકારી રાખે અને વકીલના સંપર્કમાં રહે. વકીલને લડવા માટે આપેલો તેનો કેસ લડવા માટે જરૂરી સૂચનાઓ આપે અને જાતે કોર્ટમાં હાજર રહે. આ પ્રક્રિયા જોતા વકીલ દ્વારા ક્યારેય કોઈ કસૂર કરવામાં આવતી નથી જેથી તેને સેવાની કસૂર ગણી શકાય નહિ અને તેના માટે વકીલને જવાબદાર પણ ગણી શકાય નહિ. ઘણા કિસ્સામાં વકીલો પ્રોફેશનલ મિસકનડક્ટ કરતા હોય છે અને તે બાબત ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ આવતી નથી પરંતુ એડવોકેટ એક્ટ હેઠળ આવે છે અને તે માટે કાયદાએ જરૂરી પ્રબંધ બનાવી વકીલ સામે શિક્ષાત્મક પગલાં લેવા જે તે રાજ્યની બાર કાઉન્સિલને અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સતા આપેલી છે.
કેસના પરિણામ માટે વકીલ જવાબદાર ન ગણાય
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ દેશમાં લગભગ 13 લાખ વકીલો છે. ક્ધયુમર કમિશનના નિર્ણય સામે અનેક વકીલ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેણે કહ્યું કે તેને પોતાનું કામ કરવા માટે સુરક્ષા અને સ્વતંત્રતાની જર છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટસ ઓન રેકોડર્સ એસોસિએશને કહ્યું કે કાનૂની સેવાઓ કોઈપણ વકીલના નિયંત્રણ હેઠળ નથી. વકીલોએ નિયત માળખામાં કામ કરવાનું હોય છે. નિર્ણય પણ વકીલોના નિયંત્રણમાં નથી. આવી સ્થિતિમાં કેસના પરિણામ માટે વકીલોને જવાબદાર ઠેરવી શકાય નહીં
વકીલની અનિયમિતતા પર કોર્ટમાં કેસ દાખલ કરી શકાય
ફી ભરીને કોઈપણ કામ કરાવવાને ગ્રાહક સુરક્ષા કાયદાની સેવાના દાયરામાં રાખી શકાય નહીં. જો વકીલો અનિયમિતતા કરે છે તો તેમની સામે સામાન્ય કોર્ટમાં કાર્યવાહી થઈ શકે છે. વ્યવસાયિકો સાથે કોઈપણ વેપારી, વેપારી, ઉત્પાદનો અથવા માલના સેવા પ્રદાતા જેવો વ્યવહાર કરવો જોઈએ નહીં. વ્યવસાય માટે અધતન શિક્ષણ અને તાલીમની જર છે.
ગ્રાહકોએ કોર્ટની સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ
કોર્ટના મતે વકીલ અને ક્લાયન્ટ વચ્ચેના સંબંધોમાં ખૂબ જ ખાસ વિશેષતાઓ હોય છે. કોર્ટે કહ્યું કે એડવોકેટ્સને તેમના ક્લાયન્ટના એજન્ટ ગણવામાં આવે છે, તેમણે તેમના ક્લાયન્ટની સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ, તેઓ કોર્ટની સંમતિ વિના કોર્ટ સમક્ષ છૂટછાટો આપવા અથવા બાંયધરી આપવા માટે હકદાર નથી. આ સિવાય વકીલો ક્લાયન્ટ પાસેથી બાંયધરી માંગવા માટે બંધાયેલા છે. વકીલો કોર્ટ સમક્ષ ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને ક્લાયન્ટ વતી કાર્ય કરે છે, અને ક્લાયન્ટની સૂચનાઓનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
કોર્ટે સમજાવ્યું કે વકીલાતનો વ્યવસાય શું છે
કાનૂની વ્યવસાય અનન્ય છે. તેની તુલના અન્ય કોઈ વ્યવસાય સાથે કરી શકાતી નથી. તેથી, કોર્ટે કાયદાકીય વ્યવસાયને અન્ય વ્યવસાયોથી અલગ કર્યો છે. કોર્ટે વ્યવસાયને વેપાર અને વેપારથી અલગ ગણાવ્યો છે. કોર્ટે કહ્યું, ’વ્યવસાય એવો છે જેમાં શિક્ષણ અને શીખવાની જરૂર હોય છે.’