હરિપર, ફતેપર, ચિરઈ, ચીખલી, વવાણીયા, છાપરી સહિતના ગામોના લોકોને ખોરાક પહોંચાડવાની સુંદર કામગીરી
‘અબતક મીડિયા હાઉસ’ અને નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) દ્વારા ૩૦ જુલાઈના રોજ માળિયા પંથકમાં જે લોકો પુરના કારણે તબાહ થયા છે તે લોકોને સહાય આપવાના ભાગ‚પે અને સૌથી પ્રાથમિક જ‚રીયાત ખોરાકની સહાય પુરી પાડવા માટે ફુડપેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં પુરથી પીડિત ગામ તથા દરેક વ્યકિતને સહાય મળે તેવા ઉદેશ્યથી આ કામગીરી કરવામાં આવી હતી.
આ ઉમદા સહાયનો સંપૂર્ણ શ્રેય ‘અબતક મીડિયા હાઉસ’ના મેનેજીંગ ડિરેકટર સતિષભાઈ મહેતા તથા ‘કાસુમા બેરીંગ્સ’ના મેનેજીંગ ડિરેકટર કમલેશભાઈ ટીંબળીયા તથા સુનિલભાઈ તેજાણી, નૈતિકભાઈ ટીંબળીયા, સુધીરભાઈ સાદરીયા તેમજ તેમની ટીમ ભરતભાઈ ભુવા, રસિકભાઈ વ્યાસ, હિતેષભાઈ પંડયા, જયેશભાઈ પરમાર, ઉનળભાઈ બસીયાનો પુરેપુરો સાથ મળ્યો હતો. જેના કારણે આ કાર્ય સફળતાપૂર્વક પાર પડયું હતું. આ ફુડ પેકેટમાં ભાખરી, સુખડી, ચવાણુ, બિસ્કીટ, છાશ, દુધનો પાવડર, દવાઓ જેવી વસ્તુઓનો સમાવેશ કરાયો હતો. આ પ્રકારના કુલ ૫૦૦૦ થી વધુ ફુડ પેકેટ માળિયા તાલુકાના રેલવે-સ્ટેશન વિસ્તાર કે જયાં આશરે ૩૦૦ જેટલા ઘર છે અને આ જ સ્થળે લોકો જે માલગાડીના ડબ્બામાં રહીને ગુજરાન ચલાવી રહ્યા છે ત્યાં વિતરણ કરાયું હતું. ત્યારબાદ સમગ્ર માળિયા તાલુકામાં કે જયાં પહોંચવું ખુબ જ મુશ્કેલ હતું ત્યાં પણ પહોંચીને ફુડ પેકેટ અપાયા હતા.
ત્યારબાદ હરીપર ગામ કે જયાં આખુ ગામ હજુ પણ પુરથી અસરગ્રસ્ત છે અને ગામમાં પાણી હજુ પણ છે ત્યાં પુરતા ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. ફતેપર ગામમાં ફુડ પેકેટ અપાયા હતા. ચિરઈ નામનું ગામ કે જે હાઈવેથી આશરે ૭ કિ.મી. અંદર છે અને જયાં ખુબ જ ખરાબ રસ્તા હોવાથી જવું મુશ્કેલ હતું અને ગાડીઓ તો જઈ શકે તેવી પરિસ્થિતિ જ ન હતી છતાં પણ આ જગ્યાએ પહોંચવા માટે ખુબ મહેનત કર્યા બાદ અંતે આ ગામમાં પહોંચતા આ ગામની પરિસ્થિતિ ખુબ જ દયનીય હતી. તેમના કાચા મકાનોમાં હજુ પણ આશરે ૨ થી ૩ ફુટ પાણી ભરાયેલા છે.
ચિખલી ગામે પણ ફુડ પેકેટ અપાયા હતા અને ખાસ તો નદીકાંઠાના વાંઢ વિસ્તારોમાં ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા. અગાઉ પણ ૩ થી ૪ દિવસ પહેલા ૨૫ કિ.ગ્રા. ચોખા અને બટેટા અપાયા હતા. ત્યારબાદ અંજીયાસર ગામ કે જે જગ્યાએ પહોંચવું અસંભવ હતું કેમ કે ત્યાં હજુ પણ ૮ થી ૯ ફુટ પાણી ભરાયેલા છે અને લોકો જે પણ ખોરાકની વસ્તુ મળે તે લોકો મસ્જિદના પટાંગણમાં બેસીને સાથે જમે છે. તેઓ હોડીથી આવક-જાવક કરી રહ્યા છે ત્યાં ફુડ પેકેટ આ લોકોને અપાયા હતા. જેના કારણે ત્યાંના સ્થાનિકો વારંવાર આભાર વ્યકત કર્યો હતો.
વવાણીયા રોડ પર આવેલા વાંઢ વિસ્તારમાં પણ જ‚રીયાત પ્રમાણે ફુડ પેકેટ અપાયા હતા. ટંકારા પાસે આવેલ છાપરી ગામ કે જે પુરથી અસરગ્રસ્ત છે ત્યાં પણ ફુડ પેકેટ અપાયા હતા અને વધી ગયેલા ફુડ પેકેટોને ફરીવાર તે ગામડાઓમાં બીજી વખત વિતરીત કરવામાં આવ્યા હતા. જેના કારણે લોકો ખુશખુશાલ થયા હતા.
આ ઉપરાંત મોરબીના પાડાપુલ વિસ્તારની નીચે રહેતા મજુર લોકોને મચ્છુ નદીમાં પાણીની સપાટી ઉંચી આવતા લીલાપુર વિસ્તારના નવા આવાસ યોજનાના કવાર્ટરમાં ખસેડાયા હતા. જયાં ૧૫૦થી વધુ પરિવારો હાલ વસી રહ્યા છે પરંતુ ખોરાકની વ્યવસ્થા નથી ત્યારે આ જગ્યાએ પણ ફુડ પેકેટનું વિતરણ કરાયું હતું.
આ ઉમદા સહાય વિતરણમાં સતિષભાઈ મહેતા, કમલેશભાઈ ટીંબળીયા, સુનિલભાઈ તેજાણી, નૈતિકભાઈ ટીંબળીયા, સુધીરભાઈ સાદરીયા, રસિકભાઈ વ્યાસ, ભરતભાઈ ભુવા, હિતેષભાઈ પંડયા, જયેશભાઈ પરમાર, ઉનળભાઈ બસીયા ભાગીદાર બન્યા હતા તથા અબતકના ગૌરવરાજસિંહ, દિપેશ ગરોધરા, કેવિન નિમાવત, અભય ત્રિવેદી વગેરેએ પણ જહેમત ઉઠાવી હતી.