એક સાથે આધારની ૫ કિટમાં એરર આવી જતાં દેકારો હવે સવારે ૧૦:૩૦ થી સાંજનાં ૬:૦૦ વાગ્યા સુધી આધારકાર્ડ નિકળશે
સર્વર ઠપ્પ થઈ જતાં એરર આવી જવાનાં કારણે આજે સવારે વેસ્ટ ઝોન કચેરી ખાતે આધારકાર્ડની પાંચ કિટ ઠપ્પ થઈ ગઈ હતી જેનાં કારણે આધારની કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી હતી. બપોર સુધી એરર દુર ન થતાં ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન આધારમાં ૧૦ દિવસ સવારે ૮ થી રાતનાં ૮ સુધી કામગીરી ચાલુ રખાયા બાદ આજથી ફરી જુનો ટાઈમ અમલી કરી દેવામાં આવ્યો છે.
આજે સોમવારે ઉઘડતી કચેરીએ આધારકાર્ડમાં સુધારા-વધારવા કરાવવા અરજદારોની ખાસી એવી ભીડ જામી હતી. આવા સમયે જ શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગબજારની પાછળ આવેલી કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે આધારની પાંચ કીટમાં અચાનક એરર આવી જવાનાં કારણે કામગીરી કલાકો સુધી બંધ થઈ ગઈ હતી. બપોર સુધી એરર દુર ન થતાં અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. બપોર સુધી મોટાભાગની કામગીરી બંધ રાખવામાં આવી હતી.
હાલ મહાપાલિકા દ્વારા આવાસ યોજના માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આધારકાર્ડ ફરજીયાત હોવાનાં કારણે અરજદારોનો સારો એવો ધસારો જોવા મળે છે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડની સુચનાનાં કારણે છેલ્લા ૧૦ દિવસથી સવારે ૮ લઈ રાતનાં ૮ વાગ્યા સુધી આધારકાર્ડની કામગીરી ચાલુ રાખવામાં આવતી હતી જોકે આજથી ફરી જુનો ટાઈમ અમલી કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ એવું કારણ આપી રહ્યા છે કે, ઓપરેટરો પાસેથી કેટલા દિવસ સુધી ૧૨-૧૨ કલાક કામ લેવું હવે ધીમે-ધીમે રસ ઓછો થઈ રહ્યો હોવાનાં કારણે આજથી સવારે ૧૦:૩૦ થી લઈ સાંજનાં ૬:૦૦ વાગ્યા સુધી આધારકાર્ડની કામગીરી ચાલુ રાખવામાં આવશે.