પાનકાર્ડમાં લીંકઅપની કામગીરી માટે આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે આવેલા અરજદારો પરેશાન
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે આગામી 31મી માર્ચ સુધીમાં પાનકાર્ડ અને આધાર કાર્ડની લીંકઅપની કામગીરી કરાવી લેવાની ફરજિયાત છે. અન્યથા આકરા દંડની જોગવાઇ રાખવામાં આવી છે. લીંકઅપની કામગીરી માટે હાલ આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે કોર્પોરેશન કચેરીએ અરજદારોનો ભારણ રહે છે. બે દિવસની રજા બાદ આજે ઉઘડતી કચેરીએ અરજદારોનો સારો એવો ધસારો રહ્યો હતો. દરમિયાન સવારે સર્વર ડાઉન થઇ જવાના કારણે સુધારા-વધારાની કામગીરી અટકી પડી હતી.
આધાર કાર્ડ કેન્દ્રો પર સવારથી અરજદારોની લાંબી કતારો લાગી જાય છે. કારણ કે આગામી 31મી માર્ચ સુધીમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ લીંક કરાવી લેવું ફરજિયાત છે. આજે સવારે મોટી સંખ્યામાં અરજદારો આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે ધસી આવ્યા હતાં. દશેરાના દિવસે જ કોર્પોરેશનનું ઘોડુ દોડ્યું ન હતું.
સર્વર ડાઉન થઇ જવાના કારણે અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. સવારથી બપોરે 2:00 વાગ્યા સુધી સર્વર ડાઉન રહ્યું હતું. ખૂબ જ ધીમી ગતિએ કામકાજ ચાલતું હતું. જેના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બપોરે 2:00 વાગ્યા સર્વર નિયમિત કામ કરતું થઇ જતાં અરજદારોને મુસીબતમાંથી મુક્તિ મળી હતી.