મલ્ટી કનેક્શનનું બેલેન્સીંગ ખોરવાતા સર્વરના ધાંધીયા: અધિકારીઓની ચેમ્બરોમાં પણ નેટવર્કના લોચા, ટેક્સ સહિતની વસૂલાતની કામગીરી ઠપ્પ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે અચાનક કોમ્પ્યૂટર સિસ્ટમનું સર્વર ડાઉન થઇ જવાના કારણે જબ્બરી અફરાતફરી બોલી જવા પામી હતી. તમામ ઝોન, કચેરી, સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે ટેક્સ વસૂલાત સહિતની કામગીરી ઠપ્પ થઇ હતી. અધિકારીઓની ચેમ્બરમાં પણ નેટવર્કના ધાંધીયા સર્જાયા હતા. વેરો, આવાસના હપ્તા, હોર્ક્સ ઝોનના હપ્તા સહિતના નાણા ભરવા આવેલા અરજદારો રઝળી પડ્યા હતા. બીજી તરફ આજે કોર્પોરેશન આજે તમામ પાંચેય પદાધિકારીઓ પણ ગેરહાજર હોવાના કારણે અરજદારોની ફરિયાદો સાંભળવાવાળું પણ કોઇ હતું નહીં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ઇડીપી શાખા દ્વારા આપવામાં આવેલા મલ્ટી કનેક્શનનું બેલન્સીંગ આજે અચાનક ખોરવાઇ જવાના કારણે સવારે ઉઘડતી કચેરીએ થોડી મિનિટો બાદ કોમ્પ્યૂટરનું સર્વર ડાઉન થઇ ગયું હતું. હાલ કોર્પોરેશનમાં વેરા વળતર યોજના ચાલી રહી છે. સાથોસાથ આવાસના ફોર્મનું વિતરણ અને ફોર્મ સ્વિકારવાની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે લોકોનો સારો એવો ધસારો રહે છે. આજે સર્વર ઠપ્પ હોવાના કારણે સેક્ધડો અરજદારો ધરમના ધક્કા થયા હતા. અધિકારીઓની ચેમ્બરમાં મુકવામાં આવેલા કોમ્પ્યૂટરમાં પણ નેટવર્ક ન આવતું હોવાની ફરિયાદો ઉઠતાં ઇડીપી શાખામાં સમસ્યા હલ કરવા માટે દોડધામ મચી જવા પામી હતી.
થોડીવાર માટે પ્રોબ્લેમ સોલ્વ થઇ જતો હતો અને ફરી પાછી સર્વર ઠપ્પ થવાની સમસ્યા ઉભી થતી હતી. જેના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.