જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગના લોકાપર્ણ બાદ વકીલો માટે ટેબલ-ખુરશી રાખવાના પ્રશ્ર્ને તા.7 જાન્યુઆરીથી શરુ થયેલા વિવાદ અને જનરલ બોર્ડમાં થયેલી ઝપાઝપી બાદ બેઠક વ્યવસ્થાની ગુચ ઉકેલવા માટે સિનિયર ધારાશાસ્ત્રીઓ મેદાને આવ્યા છે. ઘીના ઠામમાં ઘી પડી રહે અને તમામ એડવોકેટોને ન્યાય મળી રહે તે માટે તોડ લાવવા માટે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખોની પણ મદદ લેવામાં આવી છે.
સોમવારે કમુરતા ઉતરતા પ્રશ્નનો નિવેડો આવવાની આશાવાદી: ટેબલ-ખુરશી માટે બેઠકનો ધમધમાટ જારી
કોર્ટ બિલ્ડીંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ચંદ્રચુડના હસ્તે લોકાપર્ણ થયાના બીજા જ દિવસે કોર્ટ સંકુલમાં ટેબલ-ખુરશી રાખવાના પ્રશ્ર્ને કેટલાક એડવોકેટ દ્વારા રાતોરાત ટેબલ રાખી કબ્જો કરી લેતા અમુક એડવોકેટ નારાજ થયા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વકીલોમાં એક સુત્રતા અને એક જુથ્થ બની રહે તે માટે બાર એસોસિએસનના પ્રમુખ બકુલ રાજાણીએ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા માટે બે દિવસ પહેલાં જનરલ બોર્ડ બોલાવ્યું હતું.
ત્યારે બેઠક વ્યવસ્થાની ગુચ ઉકેલવાના બદલે કેટલાક એડવોકેટ દ્વારા ગુચને ગુચવવા હીન પ્રયાસ કર્યો હતો જેના કારણે જનરલ બોર્ડ સ્થગીત કરવામાં આવ્યું હતું અને બારની ગરીમાને હાની પહોચાડી હતી.આમ જનતામાં વકીલો માટે બુધ્ધીજીવી ગણવામાં આવે છે. અને રાજકોટ બારની ગરીમાને લાંછન ન લાગે તે માટે સિનિયર એડવોકેટ અને બાર એસોસિએશનના પુર્વ પ્રમુખો અનિલભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલ, લલીતસિંહ શાહી અને બીસીઆઇના મેમ્બર દિલીપભાઇ પટેલ તેમજ વર્તમાન ચુટાયેલા હોદેદારો દ્વારા સયુકત મિટીંગનું આયોજન કરી ગુચ ઉકેલવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
સિનિયર એડવોકેટ અને પૂર્વ પ્રમુખની મળેલી બેઠકમાં નવા કોર્ટ બિલ્ડીંગનો પ્રથમ માળ વકીલોની બેઠક વ્યવ્સ્થા માટે ફાળવવા, બાર એસોસિએશન, ક્રિમીનલ બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન અને એમ.એ.સી.ટી.બાર એસોસિએશનને પણ ફર્નિચર સાથેનું રુમ ફાળવવા અંગેની ચર્ચા થઇ હતી.
બેઠક બાદ તમામ એડવોકેટ દ્વારા ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજને મળવા જવાનો નિર્ણય કર્યો છે.