જસદણના નામચીન શખ્સ સહિત ત્રણની ધરપકડ: એક વર્ષ પહેલા રાજકોટ જેલમાં કાવતરૂ ઘડયાની કબુલાત: નિલય મહેતાનો જેલમાંથી કબ્જો લેવાશે
છ-છ હત્યા, લૂંટો સહિતના ૩રથી વધુ ગુનાઓના ખુંખાર સિરિયલ કિલર રાજકોટના નિલેશ ઉર્ફે નિલય મુનો નવીનચંદ્ર મહેતા (ઉ.વ.૪૦)એ અમદાવાદમાં ઉદય ગન હાઉસના માલિક ઉદયસિંંહ ભદોરીયાની હત્યા કરવાની સોપારી લીધી હોવાનો ધડાકો થતા રાજકોટ પોલીસે આરોપી નિલય સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં વૃઘ્ધાની હત્યાના ગુનામાં નિલય અને તેની પ્રેયસીને ૨૦૧૮માં આજીવન કેદની સજા પડી હતી અને ત્યારથી જેલમાં હતો. ગત વર્ષે ૨૨/૨/૧૯ ના દસ દિવસના પેરોલ પર મુકત થયા બાદ આરોપી એક વર્ષથી વોન્ટેડ હતો. જેલમાં રહેલી પ્રેયસીને છોડાવવાના ચકકરમાં ત્રણ દિવસ પહેલા નિલય રાજકોટ આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
વોન્ટેડ પીરીયડ દરમિયાન અમદાવાદમાં એક લૂંટની કોશીષની કેફીયન આપી હતી અને ઉપરાંત અમદાવાદમાં ગન હાઉસના માલીકની હત્યા કરવા સોપારી લીધી હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળતાં આકરી પુછતાંછ કરાઇ હતી. નિલયે પોતાની સાથે જેલમાં રહેલા શખ્સ પોતાના ભાઇ સાથે ભદોરીયાને ચાલતી માથાકુટમાં હત્યા કરવા માટે સોપારી આપી હોવાની કેફીયત આપી હતી. કબુલાત આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.