- કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ધડાધડ એક કલાક સુધી પેજર ફાટતા રહ્યા : ઇરાનના રાજદૂત પણ ઘાયલ થયા
લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા લોકોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. અહેવાલ અનુસાર એક જ કલાકમાં ધડાધડ 1000 પેજરમાં સીરીયલ બ્લાસ્ટ થતા કુલ 11 લોકોનાં મોત થયા છે. 4000 લોકો ઘાયલ થયા છે. આ પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ઈઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અહેવાલો અનુસાર, હિઝબુલ્લા સાથે જોડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી.
લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે પુષ્ટિ કરી કે દેશભરની ઘટનાઓમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક તેમની હોસ્પિટલોમાં મદદ માટે જવા માટે કહેવામાં આવ્યું છે.
મોસાદે પાંચ મહિના પહેલા પેજરમાં વિસ્ફોટ ફિટ કર્યાનો દાવો
પેજરમાં લગભગ એક કલાક સુધી સિરિયલ બ્લાસ્ટ ચાલુ રહ્યા. જ્યારે કોઈના ખિસ્સામાં પેજર વિસ્ફોટ થયું હતું, તો કોઈના હાથમાં પેજરમાં ધડાકો થયો હતો. બધે સિરિયલ પેજર બ્લાસ્ટ થતાં લોકોની ચીસો સંભળાઈ હતી. લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે પાંચ મહિના પહેલા પેજરમાં વિસ્ફોટક ફીટ કર્યા હતા. આવી સ્થિતિમાં હવે આ સમગ્ર મામલે તાઈવાનની કંપનીની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે.