લાલ કિલ્લા પર અન્ય ઝંડો ફરકાવવાની ગુસ્તાખી કરનાર પંજાબના ફરાર “દેશદ્રોહી જુગરાજના ઘરે પોલીસના ધામા; માતા-પિતા પણ પલાયન
નવા કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા બે મહિનાથી અવિરત પણે ચાલુ રહેલા આંદોલને ગણતંત્ર દીન પર હિંસાત્મક સ્વરૂપ ધારણ કરતા દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. આ આંદોલનમાં ‘દેશદ્રોહી’ તત્વોનો પ્રવેશ થતા ખેડુતોની ગાડી અવળે પાટે ચડાવી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ૨૬મીએ શાંતિપૂર્ણ રીતે કાયદા-વ્યવસ્થાના પાલન સાથે ટ્રેકટર પરેડ યોજવાના ખેડુતોના નિર્ધાર છતા રાજધાની દિલ્હીમાં હિંસા ભડકી,૪૦૦ જેટલા પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા એટલું જ નહિ પણ દેશની આન, બાન અને શાન ગણાતા એવા રાષ્ટ્રીય સ્મારક લાલ કિલ્લા પરઆપણા ‘ત્રિરંગા’ ઉપરાંત અન્ય ઝંડો ફરકયો હોય, તેવા દેશદ્રોહી દ્રશ્યો સર્જાયા દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને ઈજા પહોચાડનારા તત્વો બેફામ બન્યા ઈતિહાસની આ કલંકિત ઘટના માટે જવાબદાર કોણ ?? જવાબદાર શખ્સોને સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રાલયે આદેશો જારી કર્યા છે. જેના અનુસંધાને ૩૭ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો છે તો ૨૦થી વધુની ધરપકડ કરાઈ છે. ખેડુતોના નામે અસામાજીક તત્વોએ આંદોલનમાં પ્રવેશ કરી લેતા જાણે મૂળ મૂદો વિખેરાય ગયો હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય ‘રોટલા’ શેકવા નેતાઓ પણ આમાંથી પાછળ રહ્યા નથી આ વચ્ચે ખેડુતોની પરિસ્થિતિ આકરી બની છે. ભાગલાવાદી તત્વોએ આંદોલનકારીઓની દિશા અને દશા બદલી નાખી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠન અને ભારતીય કિશાન યુનિયને આ આંદોલનમાંથી અલગ થઈ જવાની જાહેરાત કરી છે.
અસામાજીક અને ભાગલાવાદી તત્વોએ પગપેસારો કરતા આંદોલનમાં ફાંટા પડયા છે. તાજેતરમાં રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વી.એમ.સિંઘે કહ્યું કે, અમારો ઉદેશ્ય કૃષિકાયદા પાછા ઠેલાય એ છે અમે આ માંગ સાથે લડત ચાલુ રાખીશું પણ ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્રના દિને જે થયું એ શરમજનક અને અસ્વિકાર્ય છે. કૃષિ કાયદા પાછા ખેંચાયએ ‘મંઝીલ’ એક રહેશે પણ અમે આ પ્રકારનાં આંદોલનમાંથી છૂટ્ટા થઈ એ છીએ.
લાલ કિલ્લા પર આપણા રાષ્ટ્રધ્વજ ત્રિરંગા સિવાય અન્ય કોઈપક્ષ, સંગઠન કે સંસ્થાનો ઝંડો લહેરાય તે દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રીય ઓળખને હાની છે. બંધારણ અને દેશ વિરૂધ્ધનું આ કૃત્ય છે. આ ગુસ્તાખી કરનાર ઘણા શખ્સો હતા પરંતુ લાલકિલ્લા પર ઉપર ચડી ખાલસા ઝંડો ફરકાવનારમાં પંજાબના એક ૨૩ વર્ષિય શખ્સ જુગરાજનું નામ સામે આવ્યું છે. જેના ઘરે દિલ્હી પોલીસે ધામા નાખી ફરાર જુગરાજને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. દેશ વિરૂધ્ધ આવું કૃત્ય કરનાર જુગરાજે તો ઠીક તેના કુટુંબીજનોએ પણ ઉભી પુછડીએ ભાગવું પડયું છે. જુગરાજના માતા-પિતા પણ ઘર છોડી પલાયન કરી ચૂકયા છે. હાલ જુગરાજનાં દાદા-દાદી ઘર પર પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે.